કાળાનાણાં પર નજર રાખવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે…
ન્યુ દિલ્હી,
કેન્દ્ર સરકાર વર્ષમાં ૧૦ લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ બૅન્ક એકાઉન્ટમાંથી કાઢનાર પર ટેક્સ લગાવવા માટે વિચારી રહી છે. આ પગલું પેપર કરન્સીનો ઉપયોગ ઘટાડવા માટે, કાળાનાણાં પર નજર રાખવા માટે અને લેણ-દેણમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વધારવા માટે લેવામાં આવી શકે છે.
સરકાર આ પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે કે વધારે રકમ કાઢવા પર આધાર કાર્ડ જરૂરી કરવામાં આવે. એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે તેનાથી વ્યક્તિને ટ્રેક કરવામાં અને તેના ટેક્સ રિટર્ન સાથે મેળવવામાં સરળતા રહેશે. અત્યારે ૫૦ હજાર રૂપિયાથી વધારે રકમ જમા કરવા પર PAN કાર્ડ આપવું જરૂરી છે.
સરકાર માત્ર આધાર કાર્ડ નંબર જ નહી પણ OTP દ્વારા એ નક્કી કરશે કે આધાર નંબરનો દુરૂઉપયોગ ના થાય. સરકારનું માનવું છે કે મોટા ભાગની વ્યક્તિઓ અને કંપનીઓને વર્ષ દરમિયાન ૧૦ લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ કાઢવાની જરૂરીયાત પડતી નથી.
આ તમામ પ્રસ્તાવ પર ૫ જુલાઈએ બજેટ જાહેર થવા પહેલા ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા અઠવાડિયે જ RBI એ જાહેરાત કરી હતી કે NEFT અને RTGS ટ્રાન્સફર પર બૅન્ક દ્વારા કોઈ ચાર્જ નહી વસુલવામાં આવે. કાર્ડના ઉપયોગ કરવા પર લાગતો ચાર્જ પણ ખત્મ થઈ શકે છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA સરકારે ૨૦૦૫માં રોકડ વ્યવહાર પર ટેક્સ લગાવ્યો હતો પણ વિરોધ પછી તેને પાછો લેવો પડ્યો હતો. ૨૦૧૬માં મુખ્યમંત્રીઓની એક ઉચ્ચસ્તરીય પેનલે ૫૦ હજાર રૂપયિાથી વધારે રોકડ રકમ કાઢવા પર ટેક્સની તરફેણ કરવામાં આવી હતી.