આમ પ્રજા ઉપર વિવિધ ટેક્ષ ભારણની એક મર્યાદા જરૂરી છે. પરંતુ ખુદ સરકાર તે માટે તૈયાર નથી….! બસ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિતના ને ભારેખમ પગાર ભથ્થા ઉપરાંત સરકારી તમામ સુવિધાઓ વાળા મફત બંગલા, મફત વીજળી, મફત પાણી તો ઈન્કમટેક્ષ ભરવાનો જ નહીં. પોતાની સાથે બે વ્યક્તિ કામકાજ માટે રાખવાના તેનો પગાર સરકાર ચુકવે. પોસ્ટનો ખર્ચ, મોબાઈલ ખર્ચ આમ પ્રજા ઉપર. પોતાને અને પરિવારને પ્રવાસ મફત તો સાથે બે સહાયકોને પણ પ્રવાસ મફત,અને આવા બધા લાભ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને મળે છે. ઉપરાંત સાંસદોને કેન્ટીનમાં ખાવામાં સબસીડી માત્ર ૧૫ થી ૨૦ રૂપિયામાં પેટ ભરાઈ જાય. ઉપરાંત તેમના વતનમાં સબસીડીવાળા ગેસ સિલિન્ડર. હવે જેને હિને છ આકડાનો પગાર ઉપરાંત અન્ય લાભો મળતા હોય અને પાંચ વર્ષ પૂરા કરે. પુનઃ ચૂટણી લડે જીતે તો પગાર, ભથ્થા સહિતના લાભો યથાવત મળે. હારી જાય કે ના લડે તો પેન્શન મળવાનુ શરૂ…. અને આ બધું ભારણ પ્રજાની કેડ ઉપર જ.. આપણે ચૂટેલા આપણને સલાહ આપે ગેસની સબસીડી છોડો… અનેક લોકો માની જાય. પણ ચુંટાયેલા કોઈ લાભ છોડવા માગતા નથી. ત્યારે દેશના બે જાગૃત નાગરિકોએ ગુજરાતના રાઈટ ટુ રીકોલ વાળા શ્રી રાહુલ મહેતા અને પંજાબના સરદારાસિંહ જોહીએ સાંસદોના ધારાસભ્યોના પેન્શન બંધ કરવા, આરોગ્ય સંભાળની પધ્ધતી રદ કરી જાહેર આરોગ્યની સેવા લેવાની. બહારની કે દેશ વિદેશમાં સારવાર લેવી હોય તો પોતાના ખર્ચે… તેમજ અન્ય જે સરકારી લાભો મળે છે કે તમામ લાભો બંધ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે ત્યારે એક વાત સ્વિકારવી જોઈએ કે આજે પણ દેશમાં સાચા અર્થમાં લોકશાહીને સમજનારા છે….!
દેશભરમાં મોટાભાગે સામાન્ય નોકરી કરનારાઓનો પગાર મોટાભાગે ૬ હજારથી લઈ ૧૨ કે૧૫ હજાર પગાર હોય છે. તો જેને વ્હાઈટ કોલર કહીએ છીએ તેઓ ખાનગીક્ષેત્રે નોકરી કરે છે તેઓના પગાર ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ હોય છે. જ્યારે સરકારી નોકરી કરનાર નો પગાર ૪૦ હજારથી લઈને ડોઢેક લાખ હોય છે… તો સરકારી નોકરીમાં ઊંચા પદ પર બિરાજતા અધિકારીઓને સરકારી ગાડી, સરકારી બંગલા સહિતની સુવિધાઓ મળે છે. પરંતુ આ તમામ ક્ષેત્રમાં નોકરી કરનારાથી લઈને સરકારી નોકરી કરનારા તમામના ઈન્ટર્વ્યુ લેવામાં આવેલ છે. તો આ નોકરી માટે અભ્યાસ, અનુભવ સહિતની બાબતોને ધ્યાનમાં લઈને જ નોકરી પર રાખવામાં આવે છે. આમાં વ્હાઈટ કોલર ઊંચા પગાર મેળવતા અને સરકારી નોકરી કરનારાઓને મોંઘવારીની ઓછી અસર થતી હોય છે….! પરંતુ ૧૫- ૨૦ હજારથી નીચેના પગાર મેળવનારાઓને મોંઘવારીમાં બે છેડા ભેગા કરતા કેડ ભાગી જાય છે. પરંતુ તેમના માટે કોઈ સરકાર વિચાર કરતી નથી કે આ ઓછો પગાર મેળવનારો વર્ગ પોતાના પરિવાર માટે વિચાર કરી શકતો નથી…. પોતાના હક્ક- અધિકાર અંગે કશું જાણતો નથી… બસ, નસીબના રોદણા રોયા કરતો હોય છે. જે એક હકીકત છે…..!
દેશમાંની સરકારોએ દલા તરવાડીની નીતિ અપનાવી છે… સાંસદો- દરેક પક્ષના સાથે મળીને પોતાના પગાર ભથ્થા બધું જ એક સંપ થઈ વધારતા જાય છે. અને ડોઢ થી ત્રણ લાખ સુધીનો પગાર વધારા સહિતના લાભો મેળવે છે. એટલે મોંઘવારીને અને તેમને નહાવા નીચોવવાનોય કોઈ સંબંધ નથી… એ તો ઠીક ચૂંટાયેલા કોઇપણ પક્ષના નેતાઓને મારા તમારા ખર્ચે તમામ જીવન જરૂરી લાભો મળે છે. તેમા પણ પાંચ વર્ષ પૂરા કરનારને પેન્શન મળે છે. અને જો કોર્પોરેટર, ધારાસભ્ય પછી સાંસદ બને અને તેમાંથી મરજીયાત કે ફરજીયાત છોડવુ પડે તો ત્રણ ત્રણ પેન્શન મળે છે. આ કેવી પ્રથા કહેવાય….? એક જ વ્યક્તિને ૩ પેન્શન…..!! સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર પદ મળવુ એ સેવા છે…. તે કોઈ નોકરી નથી કે રોજગાર નથી. પરંતુ મફત સેવા છે. રાજનીતિ પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળની ચૂંટણી છે. ત્યાં કોઈ નિવૃત્તિ નથી. પરંતુ તેઓ પુનઃ ચુંટાઈ આવી શકે છે. અત્યારે તેઓ પાંચ વર્ષની સેવા પછી પેન્શન મેળવે છે. સેન્ટ્રલ પગાર પંચ સાથે સાસદોના પગાર ભથ્થામાં સુધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આને આવક વેરા હેઠળ લાવવું જોઈએ. તો ગુનેગારોને ચૂંટણી લડતા અટકાવવા જોઈએ., શિક્ષાત્મક રેકોર્ડ- ગુનાહિત આરોપો અને નિશ્ચય, ભૂતકાળ કે વર્તમાન સાથેના શંકાસ્પદ વ્યક્તિઓ ને સંસદમા પ્રતિબંધ મુકવો જોઈએ. રાજનેતાઓના કારણે ઓફિસમાં થતા આર્થિક નુકસાન, તેમની સંપત્તિ માટે સાંસદો- ધારાસભ્યોને સામાન્ય નાગરિકોને લાગુ પડેલા તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેમને મળતા સબસીડી ના તમામ લાભ પરત ખેંચી લેવા જોઈએ.. ટૂંકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળતા તમામ સરકારી લાભો બંધ કરી દેવા જોઇએ તેવી માંગ સાથેની અરજી સુપ્રીમકોર્ટમાં રાહુલ મહેતા અને સરદારાસિંહ જોહીએ અલગ અલગ રીતે કરતાં આ અરજીનો સ્વીકાર થયો છે. હવે લોકોનો ટેકો મળે તે જરૂરી છે તો કંઈક અંશે પણ પરિણામ આવે… બાકી તો સમયની રાહ જોવી રહી…..!!