મુંબઈ : વરુણ ધવન-શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩ડી’એ પહેલાં દિવસે ૧૦.૨૬ કરોડની કમાણી કરી હતી તો બીજી બાજુ કંગના રનૌતની ફિલ્મ ‘પંગા’એ પહેલાં દિવસે ૨.૭૭ કરોડ કમાયા હતાં. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શની ટ્વીટ પ્રમાણે, રેમો ડિસોઝાની આ ફિલ્મની શરૂઆત વધુ કમાણીથી થવી જોઈતી હતી. કારણ કે આ ફિલ્મ યુથ સેન્ટ્રિક છે. સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મનું બિગ ઓપનિંગ હોય છે.
ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર, એનાલિસ્ટ તથા મલ્ટીપ્લેક્સ ઓનર રાજ બંસલે કહ્યું હતું કે બંને ફિલ્મે અપેક્ષા પ્રમાણે શરૂઆત કરી નથી. ‘પંગા’ના વખાણ કરવામાં આવ્યા પરંતુ કલેક્શન થયું નથી. માઉથ પબ્લિસિટીને કારણે આજે (શનિવારે) કલેક્શન વધી શકે છે. ‘સ્ટ્રીટ ડાન્સર’માં વધુ કલેક્શન થાય તેમ લાગતું નથી. જો બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધારો નહીં થાય તો બંને ફિલ્મ માટે સર્વાઈવ કરવું મુશ્કેલ છે.
તરન આદર્શે ટ્વીટમાં કહ્યું હતું કે મુંબઈ સર્કિટમાં રેમો ડિસોઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ના કલેક્શન પર અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ ભારે પડી છે. ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ હજી પણ સારી ચાલી રહી છે.