દલિત વિદ્યાર્થીઓને રૂ.૧૨થી ૧૫ હજારની શિષ્યવૃતિ આપશે…
ચંડીગઢ : કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાનો ચૂંટણી ઢંઢેરો શુક્રવારે જાહેર કર્યો હતો. હરિયાણા કોંગ્રેસના પ્રમુખ કુમારી શૈલજાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલાઓ તમામ વર્ગ પર આ ઢંઢેરામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસે ધોરણ ૧થી૧૦ના વિદ્યાર્થીઓને રૂ. ૧૨ હજાર તેમજ ધો. ૧૧-૧૨ વિદ્યાર્થીઓને રૂ. ૧૫ હજારની શિષ્યવૃતિ આપવાની જાહેરાત ઢંઢેરામાં કરી છે.
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે સરકારી તેમજ ખાનગી નોકરીઓમાં ૩૩ ટકા અનામતની જોગવાઈ લાગુ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ ખેડૂતો અને ગરીબોની લોન માફ કરવાનો વાયદો પણ કર્યો છે.
હરિયાણામાં ૯૦ બેઠકો પર ૨૧ ઓક્ટોબરના ચૂંટણી યોજાશે જ્યારે તેનું પરિણામ ૨૪ ઓક્ટોબરના જાહેર થશે. હરિયાણામાં નશીલા પદાર્થોના સેવનના વધી રહેલા પ્રમાણને જોતા કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું છે કે તેમની સરકાર આવશે તો સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાશે અને ડ્રગ્સના દુષણને ડામવામાં આવશે. દરમિયાન ભાજપના નેતૃત્વમાં રહેલી સરકારે આચરેલા કથિત કૌભાંડો માટે વિશેષ તપાસ સમિતિના ગઠનની વાત પણ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ઉચ્ચારી છે.