Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ રિલેશનશિપ

હું પરિણીત મહિલા સાથે રિલેશનશિપમાં છું અને તેના વિના રહી શકતો નથી. શું કરૂ?

સવાલ : હું ૩૩ વર્ષનો છું. લગ્ન થયાને ૧૦ વર્ષ થઈ ગયાં છે અને પરિવાર ગામમાં રહે છે. પત્ની ગામમાં શિક્ષિકા છે અને હું અહીં એક બુટિકમાં કામ કરું છું. સાથે ઘરે પણ દરજીકામ કરીને એક્સ્ટ્રા કમાણી કરી લઉં છું. સમસ્યા એ છે કે મને મારી જ એક ક્લાયન્ટ સાથે પ્રેમ થઈ ગયો છે. શરૂઆતમાં ૬ મહિના તો અમે માત્ર આંખોથી જ વાતચીત કરેલી, પણ એ પછી અમે એકમેકમાં બધી જ રીતે ઓળઘોળ થઈ ચૂક્યાં છીએ. એ મહિલા પણ પરિણીત છે અને તેને પણ એક સંતાન છે. અમને ખબર છે કે અમારા આ પ્રેમ અને સંબંધની કોઈ મંઝિલ નથી, પણ એમ છતાં અમને એકબીજા વિના ચાલતું નથી. અમારો પ્રેમ માત્ર શરીરનો નહીં, આત્માનો છે. એક-બે વાર મેં ભૂલથી તેના ઘરે ફોન કરી દીધો હતો એને કારણે તેના ઘરમાં તકલીફ થઈ છે. આ જ કારણસર હવે તે મારે ત્યાં નથી આવતી. છેલ્લા દોઢ મહિનાથી તે મને મળી નથી. ફોન પર ક્યારેક છુપાઈને વાતચીત કરે છે, પણ તેનું કહેવું છે કે હમણાં તે નહીં મળી શકે. તે એટલી પરોપકારી છે કે જ્યારે મેં તેની સાથે લગ્નની વાત કરેલી ત્યારે પણ તેણે કહેલું કે આપણે એક થવા માટે નથી સર્જાયાં. અમારો પ્લેટોનિક લવ હોવાથી અમે બન્નેએ અમારા પરિવારને સાચવીને આ સંબંધને જાળવ્યો છે. જોકે હવે તે જરાય મળવા નથી માગતી ત્યારે હું તેના વિના રહી શકતો નથી. તેનું કહેવું છે કે બેઉ પરિવારો તોડીને એક થવાની વાત ભૂલી જા, પણ હું તેને કેમેય કરીને ભૂલી નથી શકતો. શું પ્લેટોનિક લવમાં હંમેશાં પીડા જ ભોગવવાની હોય?

જવાબ : મને ખબર નથી તમે કયા પ્લેટોનિક લવની વાત કરો છો, પણ તમારાં લક્ષણો પરથી તો મને એ નર્યું આકર્ષણ જ લાગે છે. અંગ્રેજીમાં ડાહ્યા લોકો જીવનસાથીને સોલમેટ કહેતા હોય છે. એમ તમે પણ તમારા આ નવા સંબંધને શરીરનો નહીં, પણ આત્માનો પ્રેમ ગણાવો છો. જ્યારે આપણે દુન્યવી લાગણીઓને જસ્ટિફાય નથી કરી શકતા ત્યારે આપણે એને આત્માના નામે ચડાવી દઈએ છીએ. આ તો  માત્ર શબ્દોની રમત છે. હકીકત શું છે એ તમે જાણો છો અને છતાં એ જોવાની તમારી હિંમત નથી. પત્ની અને બાળક હોવા છતાં કોઈ ત્રીજી વ્યક્તિ પર દિલ આવી જાય તો એ મનુષ્યસહજ બાબત છે. એને આત્મિક પ્રેમના નામે જસ્ટિફાય કરવાની જરૂર નથી.

શરીર શું છે અને શરીરની જરૂરિયાતો શું છે એ વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આત્મા શું છે એ તમે જાણો છો? ભાગવત સપ્તાહમાં ક્યાંક સાંંભળ્યું હતું કે મનુષ્યનો આત્મા તમામ લાગણીઓથી પર છે. આત્મા કદી ફલાણું નહીં મળે તો અસ્તિત્વ નહીં ટકાવી શકું એવું કહેતો નથી. પ્રેમમાં ‘તારા વિના નહીં રહી શકાય’ એવી લાગણી એ અસ્વસ્થતાની નિશાની છે. માત્ર પ્રેમિકા માટે જ નહીં, તમારી પત્ની માટે આવી લાગણી હોય તો એ પણ ઠીક નથી.

કેમ કે આ લાગણી ભ્રામક પીડા પેદા કરનારી છે. મને કહો તમે કેટલા દિવસથી તમારી પ્રેમિકા સાથે વાતચીત નથી કરી? આટલા દિવસ શું તમારું શરીર શ્વાસ લેવાનું ભૂલી ગયું? બ્રહ્મસત્ય એ જ છે કે કોઈના વિના કોઈનું જીવન અટક્યું નથી અને અટકવાનું નથી. આ સત્યનો બનેએટલો જલદી સ્વીકાર કરી લો. જ્યારે વ્યક્તિ જવાબદારીઓથી ભટકીને બીજે મૃગજળ સમું સુખ મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેને આવી સ્થિતિમાં મુકાવું પડે છે.

Related posts

TVS Jupiter ZX લોન્ચ : ડિસ્ક બ્રેક મોડલની કિંમત 58,645 રૂપિયા અને ડ્રમ બ્રેક વર્ઝનની કિંમત 56,093…

Charotar Sandesh

આજના સમયમાં ધાર્મિક અને કૃષિ ક્ષેત્રે સરદાર પટેલના “ચરોતર પંથક”નું નામ અકબંધ રહ્યું છે…

Charotar Sandesh

વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી બચવા માટે આટલું કરીએ…

Charotar Sandesh