Charotar Sandesh
ગુજરાત

ઉત્તરાયણના દિવસે ૧૦૮ને ૩૯૫૯ કોલ્સ મળ્યા : ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો…

દોરી વાગવાના ૨૦૦ કેસ નોંધાયા, સૌથી વધુ બપોરે
– અમદાવાદમાં બે, વડોદરા અને ભિલોડામાં એક વ્યક્તિ ધાબા પરથી પટકાયા
– અમદાવાદમાં નેહા નામની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા
– સુરતમાં બાઈક પર જઈ રહેલા ૪ વર્ષના બાળકના ગળામાં દોરી ઘુસી ગઈ

અમદાવાદ : રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પરંતુ ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે પંતગ દોરીએ અનેકને ઘાયલ કર્યા છે, તેમજ એકનો જીવ પણ લીધો છે.ઉત્તરાયણના દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સને ૩૯૫૯ કોલ્સ મળ્યા હતા. જ્યારે ગત ઉત્તરાયણે ૩,૪૬૮ કોલ મળ્યા હતા. આમ ૨૦૧૯ કરતા ચાલુ વર્ષે ઈમર્જન્સી કેસમાં ૧૪ ટકાનો વધારો થયો છે અને ૪૯૧ કોલ વધુ મળ્યા છે. તેમજ દોરી વાગવાના ૨૦૦ કેસ નોંધાયા છે. તેમાં પણ કુલ કેસના ૫૭ ટકા કેસ એટલે કે ૧૧૪ કેસ તો બપોરના એકથી પાંચ વાગ્યા વચ્ચે નોંધાયા છે.

ટેરેસ પરથી પટકાતા સગીરનું મોત
વડોદરાના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-૭૦૬ બંસીધર હાઇટ્‌સમાં રહેતો ૧૬ વર્ષના કરણ રાઠોડ પતંગ ઉડાવવામાં મશગુલ હતો. આ દરમિયાન અચાનક જ ટેરેસ ઉપરથી પટકાતા કરણનું મોત નીપજ્યું હતું.

આધેડનું ગળુ કપાયું, બાળકના ગળામાં દોરી ઘુસી
ચલથાણમાં રહેતા પપ્પુસિંગ બાઈક પર ત્રણ સંતાનોને લઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમના આગળ બેઠેલા શિવમ(ઉ.વ.૪)ના ગળામાં દોરી ભરાઈ હતી. આ દરમિયાન પિતાએ બાળકને બચાવવા જતા બ્રેક મારી અને પરિવાર સાથે રસ્તા પર પડ્યા હતા. પતંગનો દોરો શિવમના ગળામાં ધુસી ગયો હોવાથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહેલા કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક શિવમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યો હતો.
ઘોડદોડ રોડ ખાતે આવેલી બીએસએનએલ કોલોનીમાં રહેતા બાલુભાઈ પવાર (ઉ.વ.૬૭) નિર્મળ હોસ્પિટલ સામે ફલાઈ ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન પતંગના દોરાથી તેમનું ગળું કપાતા રોડ પર પડી ગયાં હતાં. રોડ પર પડેલા વૃધ્ધ પર કાર ચાલકની નજર પડતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ઉધના દરવાજા બ્રિજ પર બાઇક પર જઈ રહેલા યુવકની પતંગના દોરાથી જીભ કપાઈ ગઈ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કિશોરી ધાબા પરથી પટકાઈ, યુવાનને દોરી વાગતા પાંચ ટાકા આવ્યા
સવારે વસ્ત્રાલમાંથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી વાગતા પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેન આંખ અને કાન પાસે ૨૮ ટાંકા લેવા પડ્યા હતા. વાડજમાં નેહા નામની ૧૩ વર્ષની કિશોરીને ધાબા પરથી નીચે પટકાતા મોઢાના ભાગે ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સરદારનગર વિસ્તારમાં ૪૨ વર્ષના ઉનમેશભાઈ દત્ત નીચે ધાબા પરથી પટકાતા તાત્કાલિક ૧૦૮ મારફતે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભિલોડાના ભૂતાવડમાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા યુવાનને માથામાં પાંચ ટાકા આવ્યા હતા.

૧૨ વર્ષનો કિશોર ધાબા પરથી પટકાતા ઇજાગ્રસ્ત
શહેરના રખિયાલ વિસ્તારમાં ૧૨ વર્ષનો જય નામનો કિશોર ધાબા પરથી નીચે પટકાયો હતો. માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related posts

અજાણ્યા વ્યક્તિને ફેસબુક ઉપર મિત્ર બનાવતા હોય, તો સાવધાન… રૂ. ૧૨ લાખની લૂંટ મચાવી

Charotar Sandesh

ગુજરાતના આ ગામમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા કલેક્ટર-ધારાસભ્ય ઘટનાસ્થળે

Charotar Sandesh

ખંભાતમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાતા કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો : ગણાવ્યું ગેરબંધારણીય

Charotar Sandesh