-
આ મામલે જર્સી સીટી પોલીસ ફરિયાદ દાખલ કરીને માયુષી ભગત નામની યુવતીની શોધખોળ કરી રહી છે
વડોદરા,
વડોદરાથી અભ્યાસ માટે અમેરિકા ગયેલી યુવતી છેલ્લા એક મહિનાથી ગુમ છે. આ મામલે જર્સી સીટી પોલીસ ફરિયાદ દાખલ કરીને માયુષી ભગત નામની યુવતીની શોધખોળ કરી રહી છે.
માયુષીના દાદીના જણાવ્યા પ્રમાણે, “માયુષીના પિતા અમેરિકા ગયા હતા ત્યારે જ માયુષી ગુમ થઈ હતી. બે દિવસ સુધી ઘરે ન આવ્યા બાદ આ અંગેની જાણ જર્સી પોલીસને કરવામાં આવી હતી. એક મહિનાથી મારી દીકરો, પુત્રવધૂ અને પૌત્ર માયુષીને શોધી રહ્યા છે. માયુષી ક્યાં ગઈ છે, શા માટે ગઈ છે, ક્યાં છે તેની કોઈ માહિતી મળી રહી નથી. પોલીસ પણ કંઈ જણાવી રહી નથી.”
સરસ્વતીબેને જણાવ્યું કે, “મને અમેરિકાથી મારા દીકરાનો ફોન આવ્યા બાદ પૌત્રી ગુમ હોવાની જાણ થઈ હતી. દીકરી બે દિવસ સુધી ઘરે ન આવતા પરિવારના લોકો પરેશાન થયા હતા અને પોલીસને જાણ કરી હતી. અમેરિકાથી દીકરાનો ફોન આવે છે પણ દર વખતે માયુષી વિશે કોઈ જ ખબર ન હોવાની વાત કહે છે.”
માયુષી માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઇ હતી. માયુષીએ પ્રથમ યુનિવર્સિટિ ઓફ ન્યૂહેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો હતો. જોકે, થોડા મહિના બાદ તેણે ન્યૂયોર્ક ખાતે ન્યૂયોર્ક ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યુ લીધું હતું. માયુષી તા.૨૯ એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.