ન્યુ દિલ્હી : બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહકો ફક્ત દેશ જ નહીં આખી દુનિયામાં છે. આ ચાહકોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ છે. અમિતાભને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા. આ એવોર્ડ મેળવ્યા બાદ બિગ બીને ચાહકો અને સેલિબ્રિટી દ્વારા સતત શુભેચ્છાઓ મળી રહી છે.
વિરાટે અમિતાભને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે શુભેચ્છા પાઠવી. તેણે ટ્વીટર પર લખ્યું, ‘પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે શુભેચ્છાઓ અમિતાભ બચ્ચન જી. ભારતીય સિનેમામાં તમારા યોગદાનને લીધે તમે ઘણા લોકો માટે પ્રેરણા છો અને રહેશો.’ તેણે અમિતાભને ટેગ કર્યા અને અંગ્રેજીમાં ‘ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઈમ’નું હેશટેગ યુઝ કર્યું.
સિનેમા ક્ષેત્રમાં સરકાર દ્વારા આપવામાં આવતો આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે. ૭૭ વર્ષના અમિતાભ આના પહેલા પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન તબિયત સારી ન હોવાને કારણે ૨૩ ડિસેમ્બર નેશનલ એવોડ્ર્ઝ સેરેમનીમાં પહોંચી શક્યા નહોતા. તેમણે રવિવાર એટલે કે ૨૯ ડિસેમ્બરે પોતાનો એવોર્ડ લીધો હતો.