અમારો દેશ ભરાઇ ગયો છે, પાછા જતા રહો : ટ્રમ્પ
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે મેક્સિકો બોર્ડર પર બની રહેલી દીવાલનો એક ભાગ જોવા પહોંચ્યા હતા. અહીં ટ્રમ્પે કામગીરીનો રિપોર્ટ જોયો અને દીવાલ પર સહી પણ કરી હતી. આ દરમિયાન તેમણે દીવાલ તરફ ઇશારો કરીને કહ્યું કે આ દીવાલની ઉંચાઇ એટલી છે કે કોઇ તેને લાંઘી નહીં શકે.
ટ્રમ્પે આશા જાહેર કરી છે કે ગેરકાયદે ઘૂસતા પ્રવાસીઓને રોકવા માટે બની રહેલી આ ૮૦૦ કિ.મી લાંબી દીવાલ આવતા વર્ષે પૂરી થઇ જશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૦માં થશે. આવામાં ટ્રમ્પની યોજના છે કે જલદીથી દીવાલનું કામ પૂરુ થાય જેથી ચૂંટણીમાં ફાયદો મળી શકે.
આ વર્ષે એપ્રિલમાં ટ્રમ્પે અમેરિકાની બોર્ડર પર તહેનાત બોર્ડર પેટ્રોલ એજેન્ટ્સ સાથે કૈલેક્સિકો શહેરમાં મુલાકાત કરી હતી. અહીં ટ્રમ્પે કહ્યું હતું કે પ્રવાસીઓની સમસ્યા અમારી સિસ્ટમ પર ભારે પડી રહી છે અને અમે આવુ થવા નહીં દઇએ.ત્યારબાદ પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા આખો ભરાઇ ગયો છે અને અમે હવે અહીં વધારે લોકોને નહીં રાખી શકીએ. તેથી સારુ એ રહેશે કે તમે પાછા જતા રહો.
- Naren Patel