અરવલ્લીના મેઘરજની સરકારી હોસ્પિટલની છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.
એક રીપોર્ટ અનુસાર, અરવલ્લીના મેઘરજમાં આવેલી રેફરલ હોસ્પિટલનું બાંધકામ જુનું થઈ ગયું હોવાના કારણે હોસ્પિટલની છતની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે આજે અચાનક હોસ્પિટલના મહિલા વોર્ડમાં છત પરથી એક મોટું સિમેન્ટનું પોપડું પડ્યું હતું. આ પોપડું નીચે પડવાના કારણે હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, જે સમયે હોસ્પિટલમાં આ ઘટના બની હતી, ત્યારે આખી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઓછી હતી અને જે મહિલા બોર્ડમાં આ સિમેન્ટના પોપડા પડ્યા હતા તે વોર્ડમાં માત્ર 10 જેટલી મહિલાઓ જ સારવાર લઇ રહી છે. જેના કારણે અમુક બેડ ખાલી હતા અને સિમેન્ટના પોપડા ખાલી બેડ પર જ પડ્યા હોવાના કારણે હોસ્પિટલમાં કોઈપણ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ઘટનાના કારણે હોસ્પિટલના અન્ય વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ આ ઘટના પરથી સવાલો એ ઊભા થાય છે કે, જે જગ્યા પર લોકો પોતાનું આરોગ્ય સારું કરવા જાય છે, તે જ જગ્યા પર લોકોના માથે સંકટ મંડરાઈ રહ્યું છે. શહેરમાં કે, ગામડાઓમાં કોઈપણ જર્જરિત મકાન હોય, તો તે મકાનને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે છે. ત્યારે શું તંત્રને આ જર્જરિત હોસ્પિટલની બિલ્ડીંગ વિષે જાણ જ નહીં હોય. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર દ્વારા આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.