જિલ્લાના તમામ યુવાનો સહિત નાગરિકોને પોતાના નામ મતદાર નોંધણીમાં નોંધાવી દેવાનો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મળેલ બેઠક…
આણંદ : ચૂંટણી પંચની સૂચના મુજબ તા. ૦૧-૦૧-૨૦૨૦ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે તે માટે આણંદ જિલ્લામાં તા. ૧૬/૧૨/૧૯ થી તા. ૧૫/૧/૨૦૨૦ સુધી જિલ્લાની સાત વિધાનસભા મતદાર વિભાગમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જિલ્લ ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આર. જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહ્યો છે.
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગેની વિગતો આપવા આજે કલેકટરાલયમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આર. જી. ગોહિલના અધ્યક્ષસ્થાને મીડિયાના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ગોહિલે જિલ્લાના તમામ યુવાનો સહિત નાગરિકોના તંદુરસ્ત લોકશાહીમાં કોઇપણ મતદાર નોંધણી વગરનો અને મતદાનથી વંચિત ન રહે તે જોવાના તેમજ તેમના નામ તદાર યાદીમાં નોંધાવી દેવા અનુરોધ કરી આ કાર્યમાં મીડિયા સહિત રાજકીય પક્ષોનો સહયોગ મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
ખાસ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૨/૧૨/૧૯ના રોજ યોજાયેલ પ્રથમ તબકકાના કાર્યક્રમ સહિત જિલ્લાના ૧૮૧૦ બુથો ઉપર ફોર્મ નં. ૬ મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગેની ૭૬૯૭, ફોર્મ નં. ૭ નામ કમી કરવાની ૨૬૦૨, ફોર્મ નં.૮ નામમાં સુધારા-વધારા કરવા અંગેની ૨૭૭૨ અને એક જ વિધાનસભા મતદાર વિભાગમાં રહેઠાણ બદલાયેલ હોય તો સરનામા સુધારવા અંગેની ૫૨૮ મળીને કુલ ૧૩,૫૯૯ અરજીઓ મળી છે.
મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગેની વિધાનસભા મતદાર વિભાગવાર વિગતો જોઇએ તો ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં ૧૫૧૪, બોરસદ વિધાનસભા મતદાર વિભાગમાં-૧૦૧૭, આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં-૯૫૬, ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં-૧૧૪૦, આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં-૭૫૮, પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં-૧૨૬૭ અને સોજિત્રા વિધાનસભા મતદાર વિભાગમાં-૧૦૫૫ મળી કુલ ૭,૬૯૭ અરજીઓ મળી છે.
આ બેઠકમાં પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ કેટલાંક સૂચનો કર્યા હતા. જેનો જિલ્લા કલેકટર શ્રી ગોહિલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ગઢવીએ હકારાત્મક પ્રતિભાવ આપી સૂચનો પ્રતિ ખાસ ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭/૧/૨૦૨૦ સુધીમાં હકક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે જયાર. તા. ૭/૨/૨૦૨૦ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
આ બેઠકમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહ્યા હતા.