વડોદરા,
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે વડોદરા શહેર પાણી પાણી થઇ ગયું છે. વડોદરા શહેરના કમાટીબાગ ઝૂમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. જેને પગલે પશુ-પક્ષીઓ મૂશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. ઝૂમાં પાણી ભરાવાને કારણે કાચબા, સસલા સહિત ૧૫૦ જેટલા પશુ-પક્ષીઓને ઉંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરાયા હતા.
વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.પૂર સહિતની કુદરતી આપદાઓમાં બચાવ અને રાહતના કાર્યોમાં એનડીઆરએફ હંમેશા અગ્રેસર રહે છે. એ પરંપરાને આગળ ધપાવતા એનડીઆરએફ જરોદના તાલીમબદ્ધ જવાનોની ૪ ટુકડીઓ અત્યારે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના ફસાયેલા લોકોને ઉગારવાનું કામ થાક્યા વગર કરી રહ્યા છે. જવાનો બોટ, લાઈફ બોટ, લાઈફ બોયા સહિતની સાધન સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. અને વડોદરા સિટીમાંથી ૯૬ લોકોને ઉગાર્યા છે.