Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાં લેન્ડલાઈન સેવા પૂર્વરત, જમ્મૂમાં ૨જી ઈન્ટરનેટ સેવા શરૂ…

કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં પ્રતિબંધ યથાવત્‌, સોમવારથી શાળાઓ ખૂલશે…

શ્રીનગર,
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યાના પખવાડિયા બાદ પ્રતિબંધો ધીમે-ધીમે હળવા કરવાનું શરૂ કર્યું છે. જમ્મુમાં શાળા-કોલેજો શરૂ થઈ ગયા બાદ હવે મોબાઈલ તેમજ ઈન્ટરનેટ સેવા પણ પૂર્વરત કરવામાં આવી છે. જમ્મુમાં ૨જી સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાં પણ લેન્ડલાઈન ટેલિફોન સેવા શરૂ કરી દેવામાં આવી છે. કાશ્મીરના ૯૬માંથી ૧૭ ટેલિફોન એક્ચેંજ કાર્યરત કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં અનેક દિવસ બાદ સોમવારથી રાબેતા મુજબ શાળાઓ ખોલવામાં આવશે.
કાશ્મીર ઘાટીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શનિવારે આમ જનતાને છૂટછાટ આપવામાં આવી હતી. શહેરના ઘણા વિસ્તારમાં લેન્ડલાઈન સેવા કાર્યરત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ૩૫ જેટલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું, હાલમાં સુરક્ષા દળો હાજર છે અને રસ્તાઓ પર બેરિકેડ હજુ પણ લગાવેલા છે.
સરકારના પ્રવક્તા રોહિત બંસલ દ્વારા જણાવવામાં આવ્યું, ૩૫ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનજાવન માટે છૂટછાટ આપવામાં આવી છે. કિશ્તવાડમાં પણ શનિવારના રોજ દિવસભર કલમ-૧૪૪ હટાવી લેવામાં આવી છે.
કાશ્મીરમાં સુરક્ષાને પગલે પાંચ જિલ્લાઓમાં હજુ પણ પ્રતિબંધ યથાવત છે. આ ઉપરાંત સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ તેમજ લશ્કરના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા મુખ્ય સચિવ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં શનિવારે ટેલિફોન સેવાઓ પૂર્વરત કરવામાં આવશે. આ ઉપરાંત સોમવારે કાશ્મીરમાં શાળા-કોલેજો પણ ફરીથી રાબેતા મુજબ ખોલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશના ૨૨ પૈકી ૧૨ જિલ્લામાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જ્યારે પાંચ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે આંશિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
શનિવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર, રિયાસી, કઠુઆ, સાંબા અને જમ્મુ શહેરમાં ૨જી સ્પીડથી ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે તમામ વિસ્તારોમાં કોઈ પ્રકારના પ્રતિબંધો પણ લાગુ નથી. અધિકારીઓના મતે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પૂર્વરત કરવાનો નિર્ણય કાયયો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કરાશે. આ ઉપરાંત અટકાયતમાં લેવાયેલા લોકોને પણ સ્થિતિની ચકાસણી બાદ જ મુક્ત કરવા વિચાર કરાશે.
માર્ચ ૨૦૧૯ સુધી જમ્મુ અને કાશ્મીરમાં લેન્ડલાઈન કનેક્શનની સંખ્યા ૧ લાખ ૨૦ હજાર હતી. આ ઉપરાંત અહીં એક કરોડ ૩૭ લાખ મોબાઈલ કનેક્શન પણ છે. જમ્મુ અને કાશ્મીરમાં ૫૮ લાખ ઈન્ટરનેટ કનેક્શન છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થવાના અહેવાલોથી પાકિસ્તાન ખુબ પરેશાન છે. ભારતના લોકોને તે શાંતિ આપે છે પરંતુ પાકિસ્તાનને ખુબ ખૂંચે છે.

Related posts

દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરુ થશે કોરોના વેક્સીનેશન મિશન…

Charotar Sandesh

કોરોનાની મહામારી ટળી નથી, કોરોના સામે જિલ્લાની જીત એ દેશની જીત છે : પ્રધાનમંત્રી મોદી

Charotar Sandesh

હવે ભારત બીજા દેશોના દબાણમાં નથી ચાલતું : મોદી ઊવાચ્‌

Charotar Sandesh