ભારતભરમાંથી 2500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો…
રાજ્યના યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કરી ગુજરાતને ગૌરવ અપાવે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ સહિત આનુષાંગિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓ ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે એમ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.
તા.02 થી 06 નવેમ્બર સુધી આંધ્રપ્રદેશના ગુન્ટૂર ખાતે 35મી જુનિયર નેશનલ એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભારતભરમાંથી 2500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓએ 3 ગોલ્ડ મેડલ સહીત કુલ 15 મેડલો મેળવી ગુજરાતમાં ઈતિહાસ રચ્યો છે. આ અગાઉ એથ્લેટીક્સની જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ક્યારેય ગુજરાત ટીમને આટલા મેડલો પ્રાપ્ત થયા નથી. ગત વર્ષે આ સ્પર્ધામાં ગુજરાતને કુલ 8 મેડલ મળ્યા હતા જેની તુલનામાં હાલ 3 ગોલ્ડ મેડલ, 8 સીલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 15 મેડલ મેળવ્યા છે, જે રાજ્યનું ગૌરવ છે.
ગુજરાતના આ ખેલાડીઓ ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ. તથા નડિયાદ અને દેવગઢ બારિયા મુકામે ચાલતી એથ્લેટીક્સ એકેડમીના ખેલાડીઓ છે. જેઓને રહેવા-જમવા તથા અદ્યતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્સપર્ટ કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસ, સ્પોર્ટ્સ કીટ, મેડીકલ તથા સ્ટાઇપેન્ડ જેવી સુવિધા પણ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પૂરી પાડવામાં આવે છે.