Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં આ ગામના બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થઇ ભણવા જવું પડે છે

એક તરફ ગુજરાત સરકાર દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી શકે તે માટે ઘણા અભિયાનો ચલાવી રહી છે, પરંતુ બાળકોની પરિસ્થિતિ કંઇક અલગ જ કહી જાય છે. કેટલીક જગ્યાએ બાળકોને ભણવા માટે શાળાઓ નથી, જેના કારણે બાળકો ગામડાંના ઘરમાં અથવા તો મંદિરમાં ભણવા માટે મજબુર થાય છે. કેટલીક જગ્યાઓ પર શાળા હાઈ-વે નજીક હોવાના કારણે બાળકો જીવના જોખમે શાળાએ જવા મજબૂર બને છે.

ત્યારે આવો કિસ્સો ફરી એકવાર અમદાવાદના એક ગામમાં પ્રકાશમાં આવ્યો છે. આ ગામના બાળકોને ભણવા માટે જવું હોય તો કાળા કેમિકલવાળા પાણીમાંથી પસાર થઈને ભણવા જવું પડે છે. શું આ વાતની તંત્રને ખબર નથી કે, પછી ખબર હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વીંઝોલના બાળકોએ ભણવા જવું હોય તો તેમણે કેમિકલવાળા કાળા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે અને પાછું જો ઘરે પરત ફરવું હોય તો પણ આ જ કેમિકલવાળા પાણીમાંથી પસાર થઈને ઘરે પરત ફરવું પડે છે. કેટલીકવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કે, બાળકો પાણીમાં પડી જાય છે જેના કારણે તેમનો યુનિફોર્મ પણ ખરાબ થાય છે. જોકે જ્યારે બાળકો આ પાણીની બહાર આવે છે, ત્યારે તેમના પગ પર પણ ઘણું કેમિકલ ચોંટી જાય છે. જેના કારણે શાળાએ જતા બાળકોને ચામડીના રોગ થવાની ઘણી સંભાવનાઓ રહે છે.

બાળકોની સમસ્યાને લઈ બાળકોના માતા-પિતાએ તંત્રમાં ઘણી વખત રજૂઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં નથી આવ્યા. બાળકોના વાલીઓએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બાળકોને શાળાએ લેવા માટે વાહન આવતા નથી. જેના કારણે બાળકો આ કેનાલમાંથી પસાર થાય છે. ઘણીવાર અમે બાળકોને ના પાડીએ છીએ જવાની, પરંતુ શોર્ટ કટ પડે છે, એટલા માટે બાળકો કેનાલમાંથી પસાર થઈને જાય છે. કેટલીક વાર તો બાળકોના પગમાં ચાંદા પડી જાય છે. અમે આ બાબતે ઘણીવાર રજૂઆત કરી છે. અહીં નાનો બ્રિજ બની જાય તો છોકરાઓ માટે સારું. અમે છ વર્ષથી આ બાબતે રજૂઆત કરી છે. કેટલીક વખત આવીને એ લોકો જોઈ પણ ગયા છે પરંતુ કોઇ બ્રિજ બનાવતું નથી. એમ કહે છે કે, બનાવીશું, બનાવીશું પરંતુ અહી બ્રિજ બનતો નથી.

Related posts

GTUની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની જ લેવાશે ફીઃ નિર્ણયને GTU આવકાર્યો…

Charotar Sandesh

સુરતમાં આગની દુર્ઘટનામાં મૃત્તક વિદ્યાર્થીઓના પરિવારને 4 લાખની સહાય અપાશે :મુખ્યમંત્રી વિજયભાઈની જાહેરાત

Charotar Sandesh

વિશ્વ બેંકનો અહેવાલ : રાજ્યમાં રોજ સરેરાશ ૨૦ વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત…

Charotar Sandesh