Charotar Sandesh
ગુજરાત

વિશ્વ બેંકનો અહેવાલ : રાજ્યમાં રોજ સરેરાશ ૨૦ વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત…

૩ વર્ષમાં ૨૨ હજાર કરતાં વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો…

અમદાવાદ : ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વિશ્વમાં રોડ અકસ્માતોમાં ભોગ બનનારાઓમાં ભારતીયોની સંખ્યા ૧૦ ટકા છે. માર્ગ અકસ્માત મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં ૩ વર્ષમાં ૨૨ હજાર ૬૭૫ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. આમ, પ્રતિ દિવસે દરરોજ સરેરાશ માર્ગ અકસ્માતની ૫૧ ઘટના નોંધાય છે અને તેમાં સરેરાશ ૨૦ થી વધુ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. ૨૦૧૭થી ૨૦૧૯ એમ ૩ વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ ૧૩.૮૦ લાખ ઘટના નોંધાઇ છે અને તેમાં ૪.૫૦ લાખ વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ૨૦૧૭માં ૭૨૮૯, ૨૦૧૮માં ૭૯૯૬ અને ૨૦૧૯માં ૭૩૯૦ વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
૩ વર્ષથી માર્ગ અકસ્માતમાં ૭ હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. ૨૦૧૯માં દેશના જે રાજ્યોમાં સૌથી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય તેમાં ઉત્તર પ્રદેશ ૨૨ હજાર ૬૫૫ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૧૨ હજાર ૭૮૮ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૧૧ હજાર ૨૪૯ સાથે ત્રીજા, કર્ણાટક ૧૦ હજાર ૯૪૯ સાથે ચોથા અને રાજસ્થાન ૧૦ હજાર ૫૬૩ સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. માર્ગ અકસ્માતની ૨૦૧૭માં ૧૯ હજાર ૮૧, ૨૦૧૮માં ૧૮ હજાર ૭૬૯ અને ૨૦૧૯માં ૧૭ હજાર ૪૬ ઘટનાઓ નોંધાઇ હતી. સમગ્ર દેશમાં ૨૦૧૭થી ૨૦૧૯માં નેશનલ હાઇ વે પર અકસ્માતની કુલ ૪ લાખ ૧૯ હજાર ૫૦૦ ઘટનાઓ નોંધાઇ છે અને તેમાં ૧ લાખ ૬૧ હજાર ૯૯ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં નેશનલ હાઇ વે પર અકસ્માતમાં ૨૦૧૭માં ૨૧૪૫, ૨૦૧૮માં ૨૧૭૧ અને ૨૦૧૯માં ૧૮૯૮ એમ કુલ ૬૨૧૪ના મૃત્યુ થયા છે. આમ, પ્રત્યેક દિવસે સરેરાશ ૬ વ્યક્તિ નેશનલ હાઇવેમાં પોતાનો જીવ ગુમાવે છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇ વે પર અકસ્માતની કુલ ૧૧ હજાર ૮૪૧ ઘટનાઓ નોંધાઇ હતી. ૨૦૧૯માં દેશના જે રાજ્યમાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુની સૌથી વધુ ઘટનાઓ નોંધાઇ હોય તેમાં ઉત્તર પ્રદેશ ૮૮૩૦ સાથે મોખરે છે. ગુજરાત સરકારનો દાવો હતો કે ૨૦૨૦ સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ ટારગેટને પૂર્ણ કરવા માટે હાઇવે તેમજ શહેરના માર્ગો પર ટ્રાફિક પોલીસ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી ટ્રાફિકનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સર્વે પ્રમાણે અકસ્માતોમાં સૌથી વધુ જીવ ગુમાવનારા વર્ગમાં ૨૨ થી ૩૫ વર્ષના યુવાનો છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમ્યાન પોલીસ વાહનચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખે છે, એ ઉપરાંત ટ્રાફિકના નિયમો સમજાવે છે. માર્ગ અકસ્માતો ના થાય તે માટે હાઇવે પર સાઇન બોર્ડ બનાવવામાં આવેલા છે છતાં વાહનની સ્પીડના કારણે ઘણીવાર દુર્ધટના થતી હોય છે.

Related posts

રીક્ષાચાલકોની સ્વયંભૂ હડતાળને મિશ્ર પ્રતિસાદ, અમુક જગ્યાએ જબરદસ્તી બંધ પળાયો…

Charotar Sandesh

રાજ્યમાં મહિલાઓ પર થતાં અત્યાચારો માટે સતત મદદ માટે હંમેશા તત્પર ૧૮૧ અભયમ હેલ્પલાઈન

Charotar Sandesh

૨ દિવસ આ શહેરોમાં માવઠાની આગાહી, ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Charotar Sandesh