ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, હવે આરોપીઓને પોલીસનો ડર રહ્યો નથી, જાહેર રસ્તાઓ પર કે, અવાવરું જગ્યા પર નાની નાની વાતોમાં હત્યા જેવા કિસ્સાઓને અંજામ આપવામાં આવે છે. ત્યારે તારાપુરના સાંઠ ગામે ચીકન ખરીદવા ગયેલા ગ્રાહકને ચીકન ઓછું હોવા બાબતે તકરાર થતા દુકાનદાર અને તેના ભાઈએ સાથે મળીને ચીકન ખરીદવા આવેલા વ્યક્તિની હત્યા કરી નાંખી.
મળતી માહિતી અનુસાર તારાપુર નજીક આવેલા ઉંટવાડા ગામના મહેશ પરમાર, કમલેશ પરમાર અને અજય નામના ત્રણ યુવકો રાત્રીના આઠથી સાડા આઠ વાગ્યે નજીકમાં આવેલા સાંઠ ગામે ચીકન લેવા ગયા હતા એક બાઈક પર ગયા હતા. ત્રણેય મિત્રો 200 રૂપિયાનું ચીકન લેવા માટે સાંઠ ગામમાં આવેલી નટુ વાઘરીની દુકાને ગયા હતા, ત્યારે નટુ પાસે માત્ર 150 રૂપિયાનું જ ચીકન હતું. જેના કારણે દુકાનદાર નટુ અને ત્રણ મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી.
આ બોલાચાલી ઉગ્ર બનતા મામલો વધારો બીચકાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ નટુના ભાઈ કાંતિને થતા તે દૂકાન પર પહોચ્યો ત્યારબાદ નટુ અને કાંતિ બંને સાથે મળીને પાઈપ અને લાકડી જેવા હથિયાર લઇને ત્રણેય મિત્રો પર તૂટી પડ્યા હતા. ત્યારે નટુએ પાઈપ મહેશના માથામાં મારતા મહેશ ત્યાં જ પડી ગયો હતો. મહેશની હાલત જોઈને તેના બંને મિત્રો અજય અને કમલેશ બચવા માટે ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
ત્યારબાદ નટુ અને કાંતિ મહેશને ઢસળીને RCC રોડ પર લઇ ગયા હતા અને તેને ત્યાં પણ મહેશને માર માર્યો હતો. થોડી વારમાં અજય અને કમલેશ પોતાના ગામથી કેટલાક માણસોને લઇને મહેશને બચાવવા માટે આવ્યા હતા. ત્યારે તેઓને RCC રોડ પરથી મહેશની લાશ રસ્તા પરથી મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તારાપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.