ભરૂચ : ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ ખાતે ૬ વર્ષ બાદ નર્મદા નદીએ ૨૮ ફૂટની સપાટી વટાવી છે. ગોલ્ડન બ્રિજ ખાતે હાલ ૨૮ ફૂટે સ્થિર થઇ છે. શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે નર્મદા નદીની સપાટી ૨૯ ફૂટ ઉપર પહોંચી ગઇ હતી. પરંતુ ત્યારબાદ સપાટી ઘટવાની શરૂ થઇ હતી. પરંતુ હાલ નર્મદા નદીની સપાટી સ્થિર થયેલી છે. ગઈકાલે અંકલેશ્વરના સરફુદ્દીન, ખાલપીયા, બોરભાથા બેટના લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાવાયા હતા.
નર્મદા નદીની સપાટી વધવાને પગલે ઝઘડિયા, ભરૂચ અને અંક્લેશ્વરમાંથી અંદાજે કુલ ૭૦૪૨ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીની સપાટી હાલ તો ૨૮ ફૂટે સ્થિર છે. પરંતુ જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો સપાટી વધવાની શક્યતાને પગલે ભરૂચ જિલ્લાના સંભવિત ૪૪ ગામોને પણ સાબદા કરી તકેદારી રાખવા વહીવટી તંત્રએ સૂચના આપી દીધી હતી. ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટીએ ૨૬ ફૂટને વટાવતા નદી કિનારે ઝૂપડપટ્ટી પાણીમાં ગરક થઇ હતી. ઝૂપડપટ્ટીમાં પાણી ભરાતાં લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. ૧ હજાર લોકોનું સ્થળાંતર કરાયું.
ગઈકાલે નર્મદા ડેમના દરવાજા ખોલાતા નર્મદા કાંઠા પર વસતા ગામોમાં પાણી ઘૂસ્યા છે. ગઈકાલે ચાણોદ, કરનાળી તેમજ અન્ય ગામોમાં પાણી ઘૂસ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા મોટી સંખ્યામાં બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.