અબુધાબી : ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા વધારવા માટે દેશમાં ટેસ્ટ સેન્ટર બનાવવાના કેપ્ટન વિરાટ કોહલીના વિચારનું સમર્થન કર્યું છે. ઝહીરનું આ સાથે કહેવું છે કે ભારત જેવા મોટા દેશમાં ટેસ્ટ સેન્ટરની સંખ્યા પાંચથી વધી હોવી જોઈએ.
૪૧ વર્ષીય પૂર્વ ફાસ્ટ બોલરે અહીં કહ્યું, ’ટેસ્ટ સેન્ટર વસ્તુને સરળ બનાવે છે. આ થિયરી સારી છે, પરંતુ તેની સંખ્યા પર ચર્ચા થઈ શકે છે. મને લાગે છે કે દેશના આકારને જોતા પાંચની સંખ્યા ખુબ ઓછી છે. ટેસ્ટ ક્રિકેટના વિકાસને ધ્યાનમાં રાખતે હું ટેસ્ટ સેન્ટરના પક્ષમાં છું.’
ટેસ્ટ ક્રિકેટ હજુ ભારતમાં ખુબ લોકપ્રિય છે. પરંતુ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચનાર દર્શકોની સંખ્યામાં વધુ વધારો થયો નથી. ઝહીરનું માનવું છે કે ટેસ્ટ ફોર્મેટ હજુ પણ ક્રિકેટનું સૌથી મહત્વપૂર્ણ છે. ઝહીરે કહ્યું, ’જેમ મેં પહેલા કહ્યું છે, મને લાગે છે કે રમતમાં નાના ફોર્મેટ આવવાથી ટેસ્ટ ક્રિકેટને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ આ રમતનું સૌથી શુદ્ધ રુપ છે. દરેક ખેલાડી ક્રિકેટનો આનંદ લેવા ઈચ્છે છે અને ટેસ્ટ મેચ ઉચ્ચતમ સ્તર છે જ્યાં ખેલાડીઓની પાસે સાબિત કરવા માટે ઘણું બધુ હોય છે.’