નડિયાદ : નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક બે મહિલાએ માસુમ બાળકી સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે સાંજ સુધી મૃતકોની ઓળખ થઇ શકી ન હતી. બીજી તરફ આ ઘટના ખરેખર અકસ્માત છે કે આપઘાત તે બાબતે ટ્રેનના ડ્રાઇવરનું નિવેદન લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે
નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક બપોરે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે અજાણી મહિલાઓએ માસુમ બાળકીની સાથે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ રેલ્વે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ મૃતક મહિલામાંથી એક મહિલા ૫૦ વર્ષના આશરાની જ્યારે બીજી મહિલા ૩૫ વર્ષના આશરાની છે, જ્યારે માસુમ બાળકીની ઉંમર અંદાજે ૩ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મૃતક મહિલાઓ કોણ છે ? ક્યાંની છે ? અને તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું ? તે હજુ સુધી શોધી શકાયું નથી? રેલ્વે પોલીસ દ્વારા ૪ અલગ અલગ ટીમ બનાવીને મૃતક મહિલાઓની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઉપરાંત આ ઘટના ખરેખર અકસ્માતની છે કે આપઘાતની તે બાબત મોડી સાંજ સુધી રહસ્યમય બની છે. જે સંદર્ભે ટ્રેનના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવશે.
ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી અનુસાર બંને મહિલાઓ ટ્રેન દેખાતાંની સાથે જ ટ્રેક ઉપર આવીને ઉભી રહી હતી. મેં હોર્ન મારવા છતાં બંને મહિલાઓ ખસી ન હતી અને અંતેટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું.