Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ન્યાય માંગવા આવેલા સેંકડો ઉમેદવારોને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા…!

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરિતી સામે આક્રોશ…
– પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યાનો આરોપ-૪૦૦થી વધુ ઉમેદવારોની અટકાયત કરી,ઘર્ષણમાં અનેક ઘવાયા
– પોલીસે ઉમેદવારો જાણે કે આતંકવાદી હોય તેવું ગેરવર્તન કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
– આ આંદોલનને યુટ્યુબ પર લાઇવ કરવામાં આવ્યું હતું તો ટ્‌વીટર પર પણ ‘સેવગુજરાતસ્ટુડન્ટ’ ટ્રેન્ડ થયું

ગાંધીનગર : બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં કથિત ગેરરીતિનો પડઘો આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પડ્યો હતો. જેમાં ન્યાય માંગવા આવેલા ઉમેદવારોને પોલીસે જાણે કે આ ઉમેદવારો ગુનેગારો હોય તેમ તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. આંદોલન કરવા આવેલી મહિલા ઉમેદવારોને પણ મહિલા પોલીસે અટકાયત કરી હતી. એક તબક્કે તેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યાનો દાવો કરાયો હતા. પોલીસે ૪૦૦ કરતાં વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. તેની સાથે આંદોલનને ટેકો આપનાર કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ સાથેના ઘર્ષણમાં કેટલાક ઉમેદવારો ઇજાગ્રસ્ત થયા હતા. આ આંદોલનને યુટ્યુબ પર લાઇવ કરવામાં આવ્યું હતું તો ટ્‌વીટર પર પણ સેવગુજરાતસ્ટુડન્ટ ટ્રેન્ડ થયું હતું.

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિનસચિવાલય કારકૂનની પરીક્ષા વખતે ગેરરીતિના આરોપો થયા હતા. અંદાજે ૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગેરરીતિના મામલે કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોએ સરકારમાં રજૂઆતો કરી હતી. પરંતુ ન્યાય નહીં મળતાં આજે મોટા પાયે ઉમદવારોને સરકાર પર દબાણ લાવવા ગાંધીનગર પહોંચવાનું આહ્વાન કરાયું હતું. જેના પગલે આજે સવારથી જ વિવિધ જિલ્લામાંથી ઉમેદવાર યુવાનો ઉમટી પડ્યા હતા. અને કર્મયોગી ભવન અને અન્ય સ્થળે એકત્ર થતાં પોલીસે તેમને અટકાવ્યાં હતા. આંદોલનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અને ઉમેદવારોને અટકાયતમાં લેવાનો પ્રયાસ કરતાં પોલીસ અને ઉમેદવારો વચ્ચે સંતાકૂકડીની રમત જામી હતી. પોલીસે તેમની પાછળ પડીને દોડાવી દોડાવીને માર્યા હતા.

જોકે, પરીક્ષાર્થી ઉમેદવારોના સમર્થનમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ પણ ઉતરી આવી હતી. પોલીસે એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ અને કૉંગ્રેસના ધારાસભ્યોની પણ અટકાયત કરી હતી. તેમની માંગ હતી કે સરકાર અમને સાંભળે પરંતુ તેમને સાંભળવાના બદલે સરકારે પોલીસના હાથે વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસના દમન સાથે જ ટ્‌વીટર પર #savegujaratstudent ટ્રેન્ડ થવા લાગ્યું હતું. બિનસચિવાલ ક્લાર્કની ભરતીમાં ગરેરીતિ થઈ હોવાની રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને માર મારવામાં આવતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ટોળેટોળામાં પોલીસ તેમને પકડી અને અજ્ઞાત સ્થળોએ લઈ જઈ રહી હતી.
પોલીસના ડરથી ભાગી રહેલા પરીક્ષાર્થીઓએ ’વિજય રૂપાણી હાય.. હાય…’ના નારા લગાવ્યા હતા.આ વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો રાજ્યના જુદા જુદા શહેરોમાંથી આવ્યા હતા. પોલીસે ભુખ્યા તરસ્યા ઉમેદવારો પર લાઠીઓનો વરસાદ વરસાવી તેમને ડરાવાવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે ઉમેદવારો પકડી પકડી અને એસ.પી. ઓફિસે ઘેટાબકરાંની જેમ પૂર્યા હતા. કૉંગ્રેસે આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ’ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે.’
પોલીસ સાથેના ઘર્ષણમાં ઘવાયેલો એક વિદ્યાર્થી મીડિયાના કેમેરા સામે બતાવી રહ્યો હતો. આ તસવીર પરથી સવાલ સર્જાય છે કે આ વિદ્યાર્થીએ શું ગુનો કર્યો છે. વિદ્યાર્થીને શું વિરોધ કરવાનો પણ હક્ક નથી. સંવેદનશીલ સરકારમાં પોલીસ આટલી સંવેદનશીલ કેમ એવા સવાલો પણ સર્જાયા હતા.

આ આંદોલનને વેગ આપનારા શિક્ષક અને કર્મશીલ યુવરાજસિંહ નામના એક યુવાન છે. તેમણે જ વિદ્યાર્થીઓને ગાંધીનગર આવવાનું આહવાન કર્યુ હતું. યુવરાજસિંહે આજના સમગ્ર ઘટનાક્રમને યૂ-ટ્યૂબ પર લાઇવ કર્યો હતો. પોલીસે તેમની પણ અટકાયત કરી હોવાના અહેવાલો છે. તેમણે એક વીડિયોના માધ્યમથી કહ્યું કે ’હવે જય ભારત હોય એવું દેખાતુ નથી. અત્યારે સરકાર અવાજ દબાવવા માટે આતંકવાદી સાથે જેવું વર્તન કરે તેવું વર્તન કરી રહી છે. ખબર નથી પડતી કે વિદ્યાર્થી છે કે આતંકવાદી છે. સાચા ગુજરાતની આ વાસ્તવિકતા છે.’

Related posts

મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે : તેમના જન્મ દિવસે વિવિધકાર્યોનું લોકાર્પણ કરશે

Charotar Sandesh

રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ : લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું…

Charotar Sandesh

રાજ્યમાં બાલમંદિર, પ્રિ-સ્કુલો અને આંગણવાડી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી વાઘાણીનું મહત્ત્વનું નિવેદન

Charotar Sandesh