પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે જ્યાં એનડીઆરએફ પહોંચી શકતી નથી ત્યાં પોલીસ પહોંચી રહી છે…
વડોદરા,
વડોદરામાં ત્રણ દિવસથી પૂરની સ્થિતિ છે. જેને પગલે અનેક શહેરીજનો પાણીમાં ફસાયા છે અને તેઓ મદદની રાહમાં બેઠા છે. તેમાં પણ મોટાભાગના લોકો તો ત્રણ દિવસથી પાણી અને ભોજન વિના ટળવળી રહ્યા છે, ત્યારે પોલીસ લોકોની મદદે પહોંચી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ માટે જ્યાં એનડીઆરએફ પહોંચી શકતી નથી ત્યાં પોલીસ પહોંચી રહી છે. પોલીસ અને સ્થાનિકો સાધનોના અભાવ વચ્ચે પણ લોકોની મદદ કરી રહી છે. આજે શહેરમાં પોલીસ દ્વારા પાટિયા નીચે ચાર પીપડા બાંધી હોડી જેવો ઘાટ બનાવી લોકોને પીવાનું પાણી અને ભોજન પહોંચાડી રહી છે.
વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે.