જો શાળામાં પાણીના અલગ માટલા અને ગ્લાસ રાખવામાં આવશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ,
શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં આભડછેટ દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. મધ્યાહ્નન ભોજન વખતે વિદ્યાર્થીઓને એક જ હરોળમાં એકસાથે બેસાડીને ભોજન આપવામાં આવશે. જો શાળામાં પાણીના અલગ માટલા અને ગ્લાસ રાખવામાં આવશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.
સાણંદના નાના દેવતી ગામે થોડા દિવસ પહેલા દલિત અધિવેશન યોજાયું હતું, તેમા અલગ-અલગ ઠરાવ કરવામાં આવ્યા હતા, જેમા એક ઠરાવ આભડછેટનો કરાયો હતો. રાજ્યની કેટલીક સરકારી શાળાઓમાં મધ્યાહ્નન ભોજન સમયે આભડછેટ રાખવામાં આવે છે. પાણીના અલગ માટલા અને ગ્લાસ પણ મુકવામાં આવે છે. આ આભડછેટને હવે દૂર કરવા માટે શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી આભડછેટ દૂર કરવા જણાવ્યું છે. જો સ્કૂલમાં પાણીના માટલા અને ગ્લાસ અલગ હશે અથવા અન્ય કોઇ આભડછેટ જણાય તેવી પ્રવૃત્તિ જોવા મળશે તો શાળાના મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરાશે.