અંબાજી : આગામી ૧૦ જાન્યુઆરીના પોષસુદ પૂર્ણિમાના રોજ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. યાત્રાધામ અંબાજીમા અંબાનું મૂળસ્થાન હોવાથી અંબાજી માતાજીના પાટોત્સવને ખૂબ જ ધૂમધામથી માનવામાં આવે છે. જેને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પોષસુદ પૂર્ણિમાના રોજ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેના ભાગ રૂપે અંબાજી મંદિરમાં ડેપ્યુટી કલેક્ટર અને વહીવટદારે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પદાધિકારિઓ સાથે આયોજનના ભાગ રૂપે બેઠક યોજી હતી.
આયોજન વિશે અંબાજી મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર એસ. જે ચાવડાએ જણાવ્યું કે, આ પાટોત્સવમાં હાથી, ઘોડા તેમજ વિવિધ ટેબ્લો સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. તેમજ મા અંબાને ૨૦૦૦ કિલો ઉપરાંત સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. માતાજીના પાટોત્સવને લઈ મંદિર ટ્રસ્ટ ભોજનાલયમાં એક દિવસ માટે યાત્રિકોને વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં મહાશક્તિ યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મા જોગમાયા જગદંબાના પ્રગટ્યદિને અંબાજીમાં ગ્રામજનો સહિત લાખો કરોડો માનવભક્તો આરાધ્યદેવીના મહોત્સવમાં ભક્તિમય રીતે જોડાય છે. પૂનમના પવિત્ર દિવસે મા અંબાના જ્યોતિસ્થાન ગબ્બરથી પ્રારંભ થઇ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી બાદ સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા હાથી પર આરૂઢ થઈ નગરયાત્રાએ નીકળે છે. ભાદરવી પૂનમ જેવા આ મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે દોટ મૂકીને આવે છે એવી માઁ અંબા ના દર્શન કાજે લાખોની ભાવિકભીડ ઉમટી પડે છે. યાત્રા દરમ્યાન હજારો કિલો સુખડીના પ્રસાદ ભક્તોને અપાય છે. આ પૂનમ ને એટલેજ તો સુખડી પૂનમ કહેવાય છે.