અક્ષય કુમાર સ્ટારર ‘મિશન મંગલ’ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ‘બાટલા હાઉસ’ ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી. બન્ને ફિલ્મની પહેલા દિવસની કમાણી સારી હતી. બીજા દિવસે ‘મિશન મંગલ’ ફિલ્મે ૧૭.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે ‘બાટલા હાઉસ’ ફિલ્મની બીજા દિવસની કમાણી ૮.૮૪ કરોડ રૂપિયાની છે. ‘મિશન મંગલ’ ફિલ્મની કમાણી બે દિવસને અંતે ૪૬.૪૪ કરોડ રૂપિયા છે જ્યારે ‘બાટલા હાઉસ’ની બે દિવસની કમાણી ૨૪.૩૯ કરોડ રૂપિયા છે. ‘બાટલા હાઉસ’ને વીકેન્ડ પર સારી કમાણી કરવી પડશે જ્યારે ‘મિશન મંગલ’ ફિલ્મની કમાણી રોકેટની ગતિએ થઇ રહી છે.
‘મિશન મંગલ’ ફિલ્મ અક્ષય કુમારની ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મોમાંની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. ૨૦૧૬માં આવેલ ‘રુસ્તમ’ ફિલ્મની પહેલા દિવસની કમાણી ૧૪.૧૧ કરોડ રૂપિયા હતી. જ્યારે ૨૦૧૭માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મની પહેલા દિવસની કમાણી ૧૩.૧૦ કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ગોલ્ડ’ ફિલ્મની પહેલા દિવસની કમાણી ૨૫.૨૫ કરોડ રૂપિયા હતી. આ લિસ્ટમાં આ વર્ષે રિલીઝ થયેલ ‘મિશન મંગલ’ ૨૯.૧૬ કરોડ રૂપિયાની પહેલા દિવસની કમાણી સાથે લિસ્ટમાં ટોપ પર છે.