સાબરમતી નદીમાં આપઘાતનો સિલસિલો જારી છે. લોકો રિવરફ્રન્ટના વોક-વે પરથી ઝંપલાવી આપઘાત કરે છે. આજે સવારે ગોમતીપુરના ૩૨ વર્ષીય દિવ્યાંગ યુવકે નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયરબ્રિગેડની રેસ્કયૂ ટીમે તેને બચાવી લીધો હતો. દારૂ પીવાની ટેવના કારણે યુવકને પરિવારજનો બોલતા હતા. રિવરફ્રન્ટ પોલીસે યુવકની વધુ પૂછપરછ શરૂ કરી છે.
ફાયરબ્રિગેડની રેસ્કયૂ ટીમને મેસેજ મળ્યો હતો કે, ગાંધીબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પરથી એક યુવકે ઝંપલાવ્યું છે. જેથી રેસ્કયૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી યુવકને બચાવી લીધો હતો. પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. યુવકની પૂછપરછ કરતાં તેનું નામ વિજય પરમાર (રહે. ગોમતીપુર) હોવાનું જણાવ્યું હતું. તેને દારૂ પીવાની ટેવ છે. દારૂ ન પીવે તો ઊંઘ નથી આવતી અને ઘરના લોકો આ બાબતે ઠપકો આપે છે. જેથી તેને આપઘાતની કોશિશ કરી હતી. વિજય પરમાર પગે અપંગ છે. ફાયરે તેને બચાવ્યો છતાં તેને ફરી નદીમાં નાખી દો તેવું ફાયરના કર્મીઓને જણાવ્યું હતું.
આજે સવારે ફાયર રેસ્કયૂ ટીમ, ૧૦૮ અને પોલીસને મેસેજ મળ્યો હતો કે રાયખડ પાસે ફૂટઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યાં નદીમાં એક પોટલું તરે છે જેમાં બાળકની લાશ હોય તેવું લાગે છે જેથી રેસ્કયૂ ટીમએ ત્યાં પહોંચી પોટલાને બહાર કાઢ્યું હતું. પોટલું ખોલી અંદર જાતા પ્રાણીઓની હોજરી મળી આવી હતી. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી.