- દરેક રાજકીય પક્ષે 15 મે સુધી મેળલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવી પડશે
- રાજકીય પક્ષે ચૂંટણી પંચને ફંડ આપનાર વ્યક્તિ વિશે પણ માહિતી આપવી પડશે
નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ વિશે વચગાળાનો આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, જે પણ રાજકીય પક્ષને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ કે દાન મળતું હોય તેમણે ચૂંટણી પંચને આ વિશે બંધ કવરમાં સમગ્ર માહિતી આપવી પડશે. કોર્ટે આ માટે 30 મે સુધીની સમય મર્યાદા પણ નક્કી કરી છે. ચૂંટણી પંચ આ માહિતી સેફ કસ્ટડીમાં રાખશે. આ ઉપરાંત કોર્ટ હવે આ વિશે વિસ્તૃત સુનાવણી માટેની તારીખ પણ નક્કી કરશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે તેઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી બોન્ડના મુદ્દે કોઈ આદેશ રજૂ ન કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દરેક રાજકીય પક્ષે તેમને મળેલા બોન્ડ વિશેની માહિતી આપવી પડશે. દરેક પક્ષોએ તેમને 15 મે સુધીમાં મળેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સીલ બંધ કવરમાં ચૂંટણી પંચને 30 મે સુધી આપવાની રહેશે. આ માહિતીમાં પક્ષે ફંડ આપનાર વ્યક્તિ વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો હતો કે, તેમણે આ મુદ્દે હસ્તક્ષેપ ન કરવો જોઈએ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી આ વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ. અટૉર્ની જનરલ કેકે વેણુ ગોપાલે કેન્દ્ર સરકાર માટે દલીલ કરતા કહ્યું હતુ કે, ઈલેક્ટોરલ બોન્ડ રાજકીય દાન માટે પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે ખૂબ મહત્વનું છે. એટૉર્ની જનરલનું કહેવું હતું કે, ચૂંટણી બોન્ડ પહેલાં મોટા ભાગનું દાન રોકડમાં કરવામાં આવતું હતું અને તેના કારણે ચૂંટણીમાં ગણતરી વગરનો ખર્ચ કરવામાં આવતો હતો. ઈલેક્ટોરલ બોન્ડ સુનિશ્ચિત કરે છે કે, ચૂકવણી માત્ર ચેક, ડ્રાફ્ટ અને પ્રત્યક્ષ ડેબિટના માધ્યમથી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની બ્લેક મની ચૂંટણીમાં લાવી શકાતી નથી. બીજી બાજુ ચૂંટણી પંચે કહ્યું હતું કે, તેઓ આ વિશે એક પારદર્શક વ્યવસ્થા ઈચ્છે છે અને ઈલેક્ટોરલ બોન્ડ પારદર્શી નથી.