ઉનાળાના તડકાથી એક તરફ ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે, તો બીજી તરફ ગુજરાતના કેટલાક ગામડાઓમાં લોકો પાણી માટે વલખા મારી રાખ્યા છે. ગુજરાતમાં કેટલાક ગામડાઓ તો એવા છે કે, ત્યાંના લોકોને પાણી ભરવા જવા મારે દૂર દૂર સુધી જવું પડે છે. આવી જ હાલત સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, તલોદ જેવા ગામડાઓમાં જોવા મળી છે.
સાબરકાંઠાના કેટલાક ગામડાઓમાં પાણીની તંગીને લઇને ગામની મહિલાઓ જણાવી રહી છે કે, અમારા ગામમાં પાણીની ખૂબ જ સમસ્યા છે. ગામમાં પાણીનું ટેન્કર આવે છે, પણ ટેન્કરના ગામના બધા લોકોને પાણી નથી મળતું. ટેન્કર પાસે પાણી ભરવા જઈએ તો ભીડમાં જઘડાઓ ઉભા થાય છે. ગામના કુવામાં પણ પાણી નથી.
તો બીજી તરફ ભજપના સહ પ્રભારી મંત્રી પરબત પટેલ દાવો કરી રહ્યા છે કે, અત્યારે કોઈ પણ જગ્યા પર પીવાના પાણીની તકલીફ નથી. નગરપાલિકા વિસ્તારમાં પણ ખૂબ સારી પોઝીશન છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં વ્યસ્થા ઉભી કરવામાં આવી છે. આજની તારીખે સમગ્ર જિલ્લામાં એક પણ ટેન્કર નથી. લગભગ શરૂ કરવાની જરૂરિયાત પણ નહીં પડે. પણ ક્યાંક ટ્રાયબલ પટ્ટામાં હેન્ડપંપની જરૂરીયાત પડશે. ક્યાંક કુવાઓની જરૂરિયાત પડે તો ત્યાંના લોકો પાસેથી માહિતી લઇને તંત્રને સુચના આપવામાં આવશે. આજની તારીખમાં મુશ્કેલી અને આગામી દિવસોમાં પણ મુશ્કેલી નથી પડવાની તેવો અમારા આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતુ કે, આ આદિવાસી વિસ્તારની અંદર કેટલીક જૂથ યોજનાઓ બનાવવામાં આવી છે. પણ એક પણ યોજના ચાલુ નથી અને પાણી મળતું નથી. ખેડ બ્રમ્હાના ગામોના લોકો આજે પણ ટેન્કર દ્વારા પાણી મંગાવે છે. સરકારની અંદર અમે મામલતદારને કહીએ છીએ કે, લોકો વ્યક્તિગત પૈસા ખર્ચીને ટેન્કર મંગાવે છે તો તમે સરકાર તરફથી વ્યવસ્થા કેમ નથી કરતા. ત્યારે કહે છે કે, અમને બધાને શરમ આવે છે. સરકાર એવું કહે છે કે, કોંગ્રેસ વખતમાં ટેન્કર રાજ હતુ અને અમે હવે ટેન્કર રાજ લાવવા માંગતા નથી. આનાં લીધે આ બધા ગામોની અંદર પાણીની વ્યસ્થા કરી નથી.