ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયું હતું. કોંગ્રેસ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો.
કોંગ્રેસ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ કર્યા હતા કે, આ બોક્સમાં શું હતું, તેની તપાસ થવી જાઇએ. કોંગ્રેસ ચૂંટણી પંચને પણ આ બ્લેક બોક્સ અંગે ફરિયાદ દાખલ કરી છે.
આનંદ શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વાયુસેનાના હેલિકોપ્ટરમાં ચિત્રદુર્ગ પહોંચ્યા હતા. આ હેલિકોપ્ટરમાંથી એક કાળા રંગનું બોક્સ ઉતારવામાં આવ્યું હતું અને તેને એક ખાનગી કારમાં પણ નાખવામાં આવ્યું હતું. આ કાર વડાપ્રધાનના કાફલાનો ભાગ નહતી. આવામાં સવાલ થઇ રહ્યા છે કે બોક્સ કયાં ગયું? ગાડી કોની હતી? તેથી આની તપાસ જરૂરી છે કે બોક્સમાં શું હતું ?
તેમણે ઉમેર્યું હતું કે, જા બોક્સમાં નાણાં નહતા તો તપાસ થવા દે. લોકોને જાણવા મળે કે વડાપ્રધાનના હેલિકોપ્ટરમાં શું મૂકવામાં આવ્યું હતું? અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી પંચ તાત્કાલિક તપાસ કરશે અને લોકોને સાચી વાતની જાણ થશે.