મારી ફ્રેન્ડ તેના બ્રેકઅપ પછી બહુ જ બેચેન અને બેફામ થઈ ગઈ છે, તેને લૉન્ગ ટર્મ સંબંધોમાં રસ જ નથી રહ્યો…
સવાલ : કૉલેજના સમયથી મારી એક ફ્રેન્ડ મને ગમે છે. જોકે તે ઑલરેડી બીજા રિલેશનશિપમાં હતી અને મારી પાસે ચૂપચાપ એ સ્વીકાર્યા સિવાય કોઈ ઑપ્શન નહોતો. પાંચેક મહિના પહેલાં તેનું બ્રેકઅપ થઈ ગયું. એ પછી તે અંદરથી બહુ જ તૂટી ગઈ હતી. સંબંધોની બાબતમાં તે બહુ જ બેફામ બની ગઈ હતી. તે કાં તો કોઈ પણ છોકરાને ઉતારી પાડતી કાં પછી તેની સાથે ખૂબ ઝડપથી ઘનિષ્ઠતા કેળવી લેતી. આને કારણે પાંચ મહિનામાં તેણે ત્રણ છોકરા બદલ્યા. અત્યાર સુધી તે મારી સાથે બધી જ વાત ખૂલીને કરતી હતી, પણ હવે તે મારાથી પણ ડિસ્ટન્સ બનાવવા લાગી છે. હું ખરેખર તેને ચાહું છું અને ઇચ્છું છું કે તે આ વિષચક્રમાંથી બહાર આવે. તેનું મેન્ટલ સ્ટેટ જોતાં અત્યારે તેને પ્રપોઝ કરવાની હિંમત નથી થતી. તે હવે કહે છે કે તેને લૉન્ગ ટર્મ રિલેશનશિપમાં રસ નથી. પહેલાં તે દોસ્તો સાથે ફરવાની બાબતમાં ચૂઝી હતી, પણ હવે તે મોજમજા માટે કોઈનીયે સાથે ચાલી જાય છે. એવા દોસ્તો જે તેનો કદાચ ખોટો લાભ લઈ લે એવા હોય તેની સાથે પણ મોડી રાતે પિક્ચર જોવા નીકળી પડે છે. હું તેને બહુ જ પ્રેમ કરું છું એ વાત કદાચ તેને ખબર છે અને એટલે તે મને પણ ક્યારેક નજીક તો ક્યારેક દૂર રાખીને મિક્સ્ડ સિગ્નલ્સ આપે છે. મારે તેને આ વિષચક્રમાંથી બહાર કાઢીને લૉન્ગ ટર્મ રિલેશનશિપ માટે તૈયાર કરવી હોય તો શું કરવું? હું તેને બહુ સમજાવું છું કે જો તે આમ જ ટૂંકા ગાળાના સંબંધોમાં ફરતી રહેશે તો પછીથી પસ્તાશે. હવે અમારી બન્નેની ઉંમર ૨૭ વર્ષની થઈ છે ત્યારે લગ્ન બાબતે પણ બહુ લાંબો સમય વેડફી શકાય એમ નથી. મને એ પણ સમજાતું નથી કે તે જે બિન્ધાસ્ત થવા લાગી છે એમાંથી તે સુધરી શકે એવા કોઈ ચાન્સ ખરા?
જવાબ : બ્રેકઅપ થયા પછીની માનસિક અવસ્થાને હૅન્ડલ કરવાનું અઘરું છે. તમારી ફ્રેન્ડને એમાંથી બહાર આવતાં થોડી વાર લાગશે. તમને થતું હશે કે અત્યારે તે જે રીતે દોસ્તો બનાવે છે અને દોસ્તી તોડે છે એ જોખમી છે. કદાચ પહેલી નજરે કોઈને પણ આવું જ લાગી શકે છે. પ્રેમીને પારખવામાં થાપ ખાધા પછી તે ઠરેલ બનવાને બદલે વધુ ચંચળ બની છે. કદાચ તમારી વાત સાચી છે કે તેનું હાલનું સંબંધો માટેનું વલણ તેને માટે જોખમી છે. જોકે તમે પોતે પણ અત્યારે એક સબ્જેક્ટ છો ત્યારે આ વિશેના ડિસ્કશનમાં પડવાનું યોગ્ય નથી. એ વાત સાચી છે કે હંમેશાં લાંબા ગાળાના સંબંધો જ વ્યક્તિને સાઇકોલૉજિકલ સ્ટેબિલિટી આપતા હોય છે. જોકે એ ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિ પોતે લૉન્ગ ટર્મ રિલેશનશિપની ખેવના કરતી હોય.
તમારે અત્યારે કશું જ વિશેષ ન કરવું જોઈએ. તેની સાથે લગ્ન અને લાંબા ગાળાના સંબંધોની ફિલસૂફીની વાતો કરવાને બદલે તેને થોડો સમય એકલી છોડી દેવી જોઈએ. હા, જો તે શૅરિંગ માટે તમારી પાસે આવે તો રડવા માટે ખભો જરૂર આપો, પણ સલાહનું એકેય પડીકું તમારે છોડવાનું નથી. બીજું, તેનું મન સુધારીને તમારે તેને પ્રપોઝ કરવાનું છે એની લાય પણ થોડા સમય માટે બાજુએ મૂકો. એક તબક્કો આવશે જ્યારે તે સંબંધોની બાબતમાં કંઈક સુધાર લાવવા માટે શું કરવું એ વિશે જાતે વિચારતી થશે. એ વખતે તેને રિલેશનશિપ કાઉન્સેલર પાસે લઈ જાઓ. ત્યાં તે મન મૂકીને બધી વાત કરી શકશે અને આ વિષચક્રમાંથી પણ બહાર આવશે.