ગ્રાન્ડ હયાત હોટલમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, અને ખડગે હાજર: સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમી પણ પહોંચ્યા…
મુંબઈ : સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની આજે હોટલ ગ્રેન્ડ હયાતમાં પરેડ કરાવી અને તેમને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોએ શપથ લીધા. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.
મુંબઈનાં હોટલ ગ્રાન્ડમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનાં ધારાસભ્યોની પરેડ ચાલી રહી છે. અહિંયા ત્રણેય પક્ષોનાં કદાવર નેતા હાજર છે. તમામને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરે એ જણાવ્યું કે આપણી સંખ્યા એટલી થઈ છે કે હવે આપણે એક ફોટોમાં આવી નથી રહ્યા.
તેમણે જણાવ્યું કે હવે અમે જણાવીશું કે શિવસેના શું ચીજ છે. શરદ પવારે પણ તમામ સાંસદોને સંબોધિત કરીને જણાવ્યું કે બીજેપીએ ખોટી રીતે સરકાર બનાવી છે. પવારે કહ્યું અમે 5 વર્ષ માટે નહિ 50 વર્ષ માટે સાથે આવ્યા છીએ. ગ્રાન્ડ હયાત હોટલમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, અને ખડગે હાજર રહ્યા હતા. સાથે સાથે સમાજવાદી પાર્ટીનાં નેતા અબુ આઝમી પણ પહોંચ્યા હતા. NCP પ્રમુખ કોંગ્રેસ અને શીવસેનાના નેતાઓ વચ્ચે મુલાકાત કરી હતી. તમામ દિગ્ગજ નેતાઓ એક સાથે રહ્યા હાજર.