કાશ્મીર પ્રશ્ને ટ્રમ્પનો દાવો ખોટો…
નવી દિલ્હી,
વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમ્મૂ અને કાશ્મીર સાથે જોડાયેલા એ નિવેદન પર સ્પષ્ટતા કરી છે જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ આ મામલામાં મધ્યસ્થતા માટે તૈયાર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહ્યું છે કે પીએમ મોદીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ પોતાના વલણ પર કાયમ છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ટિપ્પણીને જોઈ કે તેઓ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન દ્વારા અનુરોધ કરાતાં મધ્યસ્થતા માટે તૈયાર છે. કુમારે લખ્યું છે કે – પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિને એવો કોઈ અનુરોધ નથી કરવામાં આવ્યો. આ ભારતની સુસંગત સ્થિતિ રહી છે પાકિસ્તાનની સાથે તમામ મુદ્દાઓ પર માત્ર દ્વિપક્ષીપ રીતે ચર્ચા કરવામાં આવે છે.
- Nilesh Patel