૩૦ ઓગસ્ટના રોજ પ્રભાસની ‘સાહો’ રિલીઝ થવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ડાન્સિંગ સોંગ ‘બેડ બોય’ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત પ્રભાસ તથા જેકલીન ફર્નાન્ડિઝ પર શૂટ કરવામાં આવ્યું છે. ગીતને નીતિ મોહન તથા બાદશાહએ ગાયું છે. પ્રભાસ તથા જેકલીને પહેલી જ વાર સ્ક્રીન શૅર કરી છે. ચર્ચા છે કે આ એક ગીત માટે જેકલીનને સારી એવી રકમ મળી છે.
મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, આ ગીત માટે જેકલીને ૨ કરોડ રૂપિયા ફી માગી હતી અને જેકલીનને આટલી રકમ ચૂકવવામાં પણ આવી હતી. ‘બેડ બોય’ ગીતમાં પ્રભાસ તથા જેકલીનની સિઝલિંગ કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી છે. અત્યાર સુધી ‘સાહો’ના ત્રણ સોંગ્સ રિલીઝ થયા છે. ‘સાઈકો સૈયા’, ‘ઈન્ની સોની’ અને ‘બેડ બોય’ ચાહકોને પસંદ આવ્યા છે.
‘સાહો’ વર્ષ ૨૦૧૯ની સૌથી મોટી એક્શન ફિલ્મ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે. મેકર્સે આ ફિલ્મ પાછળ ૩૫૦ કરોડનો ખર્ચ કર્યો છે. હાલમાં પ્રભાસ તથા શ્રદ્ધા કપૂર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘સાહો’ ગેમ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે.