Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન…

વડતાલધામમાં આયોજિત મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજાયા હતા…

વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં તા. ૬ નવેમ્બરથી ઉજવાઈ રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના દિવસે મંગળવારે સમાપન સમારોહ યોજાયો હતો. આ દિવ્ય અને ભવ્ય પ્રસંગે પૂ.આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે હેતભેર જણાવ્યું હતું કે વચનામૃત મહોત્સવના દર્શન અને સેવાથી સૌ સંતો તથા હરિભક્તોના સંકલ્પ વડતાલમાં બિરાજતાં સ્વયં પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ પુરા કરશે. સાત દિવસના ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ભક્તિમય અને હર્ષઉલ્લાસ સાથે પૂર્ણ થયો છે. આ ઉત્સવમાં અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ભાવ વ્યક્ત થઈ રહ્યો છે.

ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૭૬માં પ્રથમ વચનામૃત પ્રબોધ્યું હતું. આ વચનામૃતના ર૦૦ વર્ષ પૂર્ણ થતાં શ્રી હરિના અતિ પ્રિય વડતાલધામમાં પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તા. ૬ નવેમ્બરથી પ્રારંભ થયો હતો. આ મહોત્સવ નિમિત્તે પવિત્ર ગોમતી તળાવના કિનારે વિશાળ સભા મંડપમાં પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં સુર મધુર સંગીત સાથે શ્રી હરિની પરાવાણી વચનામૃત કથાનું અમૃત રસપાન કરાવ્યું હતું. મહોત્સવ દરમિયાન ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજાયા હતા. કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે મંગળવારે પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વચન સાથે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજે પ્રવચન કર્યું હતું. જ્યારે બોલીવુડના ફિલ્મ સ્ટાર ગોવિન્દાએ સભા મંડપમાં વચનામૃત મહોત્સવના સંગીતના તાલે નાચ કરીને સભામંડપમાં ઉપસ્થિત્‌ સૌને આનંદિત બનાવી દીધા હતા. મહોત્સવ દરમ્યાન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામી, સત્સંગભૂષણ સ્વામી, સંત સ્વામી તથા વડતાલ, ધોલેરા, ગઢડા, ભુજ, જુનાગઢ, અમદાવાદ વગેરે મંદિરના સંતો ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જ્યારે મહોત્સવ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈન્ડીયા ટીવીના ચીફ એડીટર રજત શર્મા, મંત્રી આર.સી. ફળદુ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત્‌ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારે બપોરે ૧ કલાકે મહા આરતી બાદ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી યોજાઈ હતી.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની નવી આધુનિક ઓફિસનો આરંભ થયો

Charotar Sandesh

એનસીસી દ્વારા આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલનું સન્માન કરાયું

Charotar Sandesh

પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર

Charotar Sandesh