૩૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીના દેવા માફ થશે…
રાજ્યમાં ભારે વરસાદથી આ વર્ષે ૯૪ લાખ ૫૩ હજાર ૧૩૯ હેક્ટરમાં ઉભા પાકનો નાશ થયો…
નાગપુર : મહારાષ્ટ્રમાં ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો આ સૌથી મોટો નિર્ણય છે. આ વર્ષે ચોમાસાની વિદાય સમયે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને લીધે પ્રાથમિક અંદાજ પ્રમાણે ૯૪ લાખ ૫૩ હજાર હેક્ટરમાં ઉભો પાક નાશ પામ્યો હતો. સોયાબીન અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે.
સરકારે દેવા માફી માટે યોજનાને ’મહાત્મા જ્યોતિ રાવ ફુલે ખેડૂત દેવા માફી’ નામ આપ્યું છે. મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે નિયમ પ્રમાણે ૩૦મી સપ્ટેમ્બર,૨૦૧૯ સુધીના દેવા માફ થશે. દેવા માફીની પ્રક્રિયા માર્ચ,૨૦૨૦થી શરૂ થશે. વિપક્ષે સંપૂર્ણ દેવા માફીની માંગને લઈ વોકઆઉટ કર્યો હતો. પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ દેવા માફીનું વચન પૂરુ કરવાની દિશામાં મોટુ પગલું છે.
ગત મંગળવારે સત્તાપર રહેલી મહાઅઘાડીના ધારાસભ્યો અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો વચ્ચે સદનમાં વેલમાં ધક્કામુક્કી થઇ હતી. મંગળવારે વિધાનસભા સત્રના બીજા દિવસે સવારે શિવસેનાએ કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ૨૫ હજાર પ્રતિ હેક્ટર આપવાની માંગ કરી હતી પરંતુ સરકારમાં આવ્યા બાદ આજ સુધી આપવામાં આવ્યા નથી. જેની પર વિપક્ષનું કહેવુ છે કે જ્યાર સુધી મદદની જાહેરાત નહી થાય તો કામકાજ ચાલવા નહી દે.