જે છોકરા સાથે ટિન્ડર ઍપ પર પહેલી મુલાકાત થયેલી તેની સાથે જ્યારે પ્રત્યક્ષ મળવાનું છે ત્યારે હું બહુ નર્વસ ફીલ કરું છું…
સવાલ: મારું પોસ્ટ-ગ્રૅજ્યુએશન હમણાં જ પૂરું થયું છે અને ટ્રેઇનિંગ માટે એક કંપનીમાં કામ કરું છું. સવાલ મારી અંગત જિંદગીનો છે. એક છોકરા સાથે હું ડેટિંગ કરી રહી છું. તેની સાથેની ઓળખાણ ઑનલાઇન જ છે. અમે પહેલી વાર ટિન્ડર પર મળ્યાં હતાં. મને એ સાઇટ વિશે બહુ કુતૂહલ હતું એટલે મેં ચારેક મહિના પહેલાં એમાં મારો પ્રોફાઇલ મૂકેલો અને એમાંથી કલકત્તાના આ છોકરાની ઓળખાણ થયેલી. મારે આ ઍપ થકી બ્લાઇન્ડ ડેટ પર નહોતું જવું એટલે મેં લાંબા અંતરે રહેતા છોકરા સાથે વાતચીત શરૂ કરેલી. જોકે ચાર મહિનામાં અમે બન્નેએ એકબીજા સાથે ખૂબબધી વાતો શૅર કરી છે અને મને લાગે છે કે અમે બન્ને પ્રેમમાં છીએ. ઑનલાઇન ડેટિંગ દરમ્યાન અમે બન્નેએ એકબીજાના ઘણાબધા ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે. આમ તો હું વધુ ઇન્ડિયન સ્ટાઇલનો લુક ધરાવું છું, પણ તે મને વેસ્ટર્ન આઉટફિટમાં ફોટો પડાવીને મોકલવાનું કહેતો હોય છે. મારા પરિવારમાં કોઈને આ વિશે ખબર નથી. પહેલી રૂબરૂ મુલાકાત માટે અમારી વચ્ચે બહુ ડિસ્કશન થાય છે, પણ કંઈ ગોઠવાતું નથી. હું આગ્રહ રાખું છું કે તે મુંબઈ આવે અને તે આગ્રહ રાખે છે કે હું કલકત્તા જાઉં. હવે તે મુંબઈ આવવા તૈયાર છે, પણ એકલો જ આવવાનો છે. હું તેને કહું છું કે તે પેરન્ટ્સ અથવા તો તેના મોટા ભાઈને સાથે લઈને આવે જેથી બીજી કોઈ ગરબડ ન થાય. તે જૂનના સેકન્ડ વીકમાં આવવાનો છે અને હું બહુ જ ઉત્સુક છું અને થોડી નર્વસ પણ. તમે યોગ્ય ગાઇડન્સ આપશો.
જવાબ: આમ તો તમે પહેલેથી જ બધું નક્કી કરી રાખ્યું છે, પણ જે ઉતાવળે બધું ગોઠવવાની તમે કોશિશ કરો છો એ ઠીક નથી. તમે માનો છો કે તમે આ છોકરાને ડેટ કરી રહ્યાં છો, પણ મળ્યા વિના ડેટ કેવું? કોઈને માટે પ્રેમનો ઊભરો અનહદ ઊમટતો હોય ત્યારે તમે નર્વસ અને અતિએક્સાઇટેડ હો એ સ્વાભાવિક છે, પણ લૉન્ગ ડિસ્ટન્સ સંબંધોનું પારખું કરવા માટે આવી માનસિક અવસ્થા યોગ્ય નથી. ચૅટિંગને તમે ઑનલાઇન ડેટિંગ નામ આપી દઈ શકો છો, પણ આ ડેટિંગમાં તમે સામેવાળી વ્યક્તિને ખરા અર્થમાં જાણી-સમજી કે પરખી શકતાં નથી.
તમે જ્યારે પહેલી વાર મળો ત્યારે સેફ જગ્યાએ અને જાહેરમાં મળો એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે બધું પાકું કરી નાખવાની ઉતાવળ ન થાય. જરા ઉદાહરણ સાથે સમજાવું. તમે ઈ-કૉમર્સ વેબસાઇટ પરથી મસ્ત ડ્રેસ ખરીદો છો. તો એ ચીજ હાથમાં આવી ન જાય અને એની ટ્રાયલ કરી ન લો ત્યાં સુધી તમે એ ગ્રેટ ક્વૉલિટીની ચીજ છે એવો રિવ્યુ આપી દેશો? એ તો ડ્રેસ હાથમાં આવ્યા પછી જ ખબર પડશે કે એ પર્ફેક્ટ ફિટિંગવાળો છે કે નહીં, બરાબરને?