Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી દંગલ : આઠ ફેબ્રુઆરીએ મતદાન, ૧૧મીએ પરિણામ…

‘અચ્છે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’ અને ‘દિલ્હી ચલે મોદી કે સાથ-૨૦૨૦’ના સૂત્રો પણ અપાઇ ગયા…!

આપ-ભાજપ-કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે, સપા-બસપા પણ ઉમેદવારો ઊભા રાખે તેવી શક્યતા, મોદી-શાહની અગ્નિપરીક્ષા તો કેજરીવાલ માટે ફરીથી સત્તા મેળવવાની કસોટી…

ન્યુ દિલ્હી : આખરે આપ પાર્ટી-ભાજપ અને કોંગ્રેસ પક્ષોની ઇંતેજારીનો આજે અંત આવ્યો હોય તેમ ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીઓની તારીખો આજે જાહેર થઇ હતી. જે અનુસાર ૮ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ એક જ ગઇ વખતની જેમ જ તબક્કામાં ૧૩,૭૫૦ મતદાન મથકો પર ૭૦ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા ઇવીએમ-વીવીપીએટી મશીન દ્વારા હાથ ધરાશે. આ ચૂંટણી માટે કુલ ૧.૪૬ કરોડ મતદારો નોંધાયા છે. ૧૧ ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે ત્યારે પાંચ વર્ષ શાસન કરનાર આપ પાર્ટી ફરીથી સત્તા મેળવશે કે ભાજપના બે ધરખમ નેતાઓ મોદી-શાહનો જાદુ ચાલ્યો કે કેમ તે પણ પૂરવાર અને જાહેર થઇ જશે. ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. મુખ્ય જંગ આમ તો ગઇ વખતની જેમ આપ-ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોજાવાની સાથે સપા-બસપા અને અન્ય નાના પક્ષો પણ પોતાના ઉમેદવાારો અજમાવે તેમ છે. ભાજપે ઉપરાઉપરી રાજ્યો ગુમાવ્યાં હોવાથી દિલ્હી જીતવુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ માટે પ્રતિષ્ઠા સમાન બની રહે તેમ છે. ભાજપ દ્વારા પક્ષના સિનિયર નેતા સ્વ. સાહિબસિંહ વર્માના પુત્ર અને સાંસદ પરવેશ શર્માને સીએમપદના ઉમેદવાર તરીકે આગળ કરાય તેમ છે. ગઇ ચૂંટણીમાં ભાજપે કિરણ બેદીને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા આજે સવારે જ બપોરે ૩.૩૦ વાગ્યે પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરાતાં સૌ રાજકિય પક્ષોમાં તેની ઇંતેજારી જોવા મળી હતી. અને ટીવી મિડિયા દ્વારા પણ તારીખોની અટકળો લગાવવામાં આવી હતી.
અત્રે આયોજીત પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ ૮મી ફેબ્રુઆરીએ મતદાનની તારીખ જાહેર કરીને કહ્યું હતું કે ૨૨ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણીની પ્રક્રિયા પુરી કરવા માટે ૯૦ હજાર કર્મચારીઓની નિમણુક કરાશે. સ્થિતિ પર નજર રાખવા માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. દિલ્હીની ૭૦ બેઠકો માટે ૨૬૮૯ સ્થાનો પર કુલ ૧૩,૭૫૦ મતદાતા કેન્દ્ર રહેશે. ૧૩,૭૫૦ પોલિંગ બુથ પર લગભગ ૧.૪૬ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

તેમના જણાવ્યાં અનુસાર, આજથી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. દિલ્હી વિધાનસભા માટે ૧૪ જાન્યુઆરીએ નોટિફિશેન જાહેર થશે. અને તે સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૧ જાન્યુઆરી રહેશે. ઉમેદવારી પત્રની ચકાસણી ૨૨ જાન્યુઆરીએ થશે અને ૨૪ જાન્યુઆરી સુધી નામ પાછા ખેચી શકાશે.

AAP આ વખતે દિલ્હીના લોકો વચ્ચે કેજરીવાલ સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓને લઈને જવાની છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટી તરફથી નવું સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે. આપ ચૂંટણીમાં ‘અચ્છે બીતે ૫ સાલ, લગે રહો કેજરીવાલ’ના નારા સાથે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ બીજેપીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં સત્તાથી દૂર રહેવાનો ૨૧ વર્ષનો વનવાસ ખતમ કરવા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. ‘દિલ્હી ચલે મોદી કે સાથ-૨૦૨૦’ ના નારા સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે. અનેક પ્રકારના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે એમ કહીને તેમણે કહ્યું કે દિલ્હીમાં સિવિલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર વગેરેની નિમણૂક કરવામાં આવશે, જેમાં મોટી ભૂમિકા રહેશે.

દિલ્હીની તમામ ૭૦ બેઠકો પર મતદાન યોજાશે. વરિષ્ઠ નાગરિકો, અપંગ લોકો માટે પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. ૮૦ વર્ષથી વધુ વયના વડીલો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. ફોર્મ પાંચ દિવસ અગાઉ સબમિટ કરવું આવશ્યક છે.
મીડિયા મોનિટરિંગ ટીમની રચના અંગે તેમણે કહ્યું કે મીડિયા મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે જે દરરોજ અપડેટ કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવશે દિલ્હીની ચૂંટણીમાં વધારાની સુરક્ષા દળો ઉપસ્થિત રહેશે, જે ચૂંટણી દરમિયાન સુરક્ષાની દેખરેખ રાખશે.

Related posts

વડાપ્રધાન મોદી પરની બાયોપિક’ PM નરેન્દ્ર મોદી’ હવે આ તારીખે થશે રીલિઝ

Charotar Sandesh

ધર્મા પ્રોડકશનને રાજ કુમાર રાવ સાથે કામ કરવાના અભરખાં જાગ્યાં

Charotar Sandesh

૪૦ કરોડ ભારતીય યુઝર્સ વાળા વોટ્‌સએપ પર ભાજપનો કંટ્રોલઃ રાહુલ ગાંધી

Charotar Sandesh