Charotar Sandesh
ગુજરાત રાજકારણ

રાજ્યસભાની બે સીટ બચાવવા ભાજપ મેદાનમાંઃ કોંગ્રેસ તૂટશે..!?

  • કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો નીતિન પટેલને મળતા રાજકારણ ગરમાયું

  • કોંગ્રેસને વધુ એક ઝટકોઃ વિપક્ષ નેતા પદેથી ધાનાણીનું રાજીનામું

– લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદવાર નારણ કાછડીયાથી હાર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
પરેશ ધાનાણીએ આજે વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીના નબળા પરિણામો આવતા રાજીનામું આપ્યું છે. અન્ય યુવા ચહેરાને વિપક્ષનાં નેતા બનાવવા માટે પણ ધાનાણીએ રજૂઆત કરી છે.

ગાંધીનગર,
લોકસભા ચૂંટણીમાં ભાજપના બે રાજ્યસભાના સાંસદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર અને અમેઠીથી જીત મેળવતાં બંન્ને સીટો ખાલી પડતાં હવે આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપે અત્યારથી જ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કરવાનું ઑપરેશન શરુ કરી દીધું છે. હાલની પરિસ્થિતિ જોતાં ભાજપ રાજ્યસભાની એક બેઠક ગુમાવશે તે નક્કી છે પરંતુ જોડ-તોડની રાજનીતિમાં માહેર ભાજપ હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી પોતાના પક્ષમાં સામેલ કરી રાજ્યસભાની બંન્ને સીટો જીતવાના પ્રયાસો કરશે. ભાજપએ એ કોંગ્રેસના ૧૧ સ્ન્છના મત ઓછા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંતર્ગત રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ હાજર રહ્યા હતાં. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કોંગ્રેસ તૂટે છે..?? આગામી સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામા પડે તો નવાઇ નહિ.
હાલના ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળ અનુસાર, બંને પક્ષો પોતાના એક-એક ઉમેદવારને આરામથી રાજ્યસભામાં મોકલી શકે તેમ છે. જોકે, ભાજપ આ બંને બેઠકો જીતવા ઈચ્છે છે. જો ભાજપને બંને બેઠકો જીતવી હોય તો તેને ૧૨૦ ધારાસભ્યોના વોટ જરુરી છે. ભાજપ હાઇકમાન્ડનો પ્રથમ ટાર્ગેટ કોંગ્રેસના ૧૦ જેટલા અસંતુષ્ટ ધારાસભ્યોને તોડવા માટેનો છે. જો આટલા ધારાસભ્ય તૂટી જાય અને કેટલાકનું ક્રોસ વોટિંગ કરવામાં આવે તો ભાજપનો બેડો પાર થઈ શકે તેમ છે.
કોંગ્રેસમાંથી આમ પણ વિકેટો પડવાનો સિલસિલો અટકી નથી રહ્યો, અને તેમાંય લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજય મળતા હવે રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપે કોંગ્રેસમાં ૨૦૧૭માં કર્યું હતું તેમ વધુ ધારાસભ્યોને પોતાના તરફ આકર્ષવાનું શરુ કરી દીધું છે.
લોકસભા ચૂંટણીના સાથે ૪ વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે. ભાજપના ચાર નવા ધારાસભ્યોએ આજે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા.
બીજી બાજુ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે ભાજપની વાહવાહી કરી હતી. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને એક નિવેદન આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે ભવિષ્યવાણી કરી હતી કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાંથી ૧૫થી ૧૭ ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે ૧૫થી ૧૭ ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ક્યારેય પણ ભાજપમાં જોડાઇ શકે છે.
અલ્પેશ ઠાકોરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, તે સંપૂર્ણ ભાજપાના શરણે આવી ગયો છે. તો અલ્પેશે પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર માછલા ધોયા હતા. અલ્પેશ અને ધવલસિંહનું કોંગ્રેસ વિરોધી વલણ જોવા મળી રહ્યું છે તો જ્યારે અલ્પેશ અંગે સીએમ અને પ્રદેશ પ્રમુખને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને વેઈટ એન્ડ વોચની નીતિ જણાવી હતી. અલ્પેશ અંગે સીએમ અને પ્રદેશ પ્રમુખે જવાબ આપ્યો હતો કે, ‘અલ્પેશ અંગે સમય આવે જોઈશું’.
અલ્પેશે ભાર મુકીને જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનું હાલ તેનું કોઈ આયોજન નથી. ભાજપના અનેક નેતાઓ તેના સંપર્કમાં છે. હું મારા મતવિસ્તાર માટે કામ કરવા માગું છું.

Related posts

ઓનલાઇન ખરીદી કરતા સાવધાનઃ એડવાન્સ પેટે કરાવી યુવક સાથે છેતરપીંડી…

Charotar Sandesh

વ્યસન, ફેશન-દેખાદેખી અને લગ્ન-પ્રસંગના બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પાટીદારના ૩૬ સમાજનો નિર્ણય

Charotar Sandesh

એનસીપીનાં સભ્યને ટાર્ગેટ કરી ૧૦ રાઉન્ડ ફાયરિંગ, ૩ ઇજાગ્રસ્ત

Charotar Sandesh