-
વિરાટને થયેલી ઈજા અંગે હજુ જાણી શકાયું નથી કે તેઓ બેટિંગ દરમિયાન ઘવાયો હતો કે પછી બોલિંગ દરમિયાન
બ્રિસ્ટલ,
વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો ૫ જૂને દક્ષિણ આફ્રિકા સામે થશે. તેના ત્રણ દિવસ પહેલાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રિપોટ્સ મુજબ કેપ્ટન વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થઈ ગયો છે. શનિવારે અભ્યાસ સત્રમાં તેના જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. કોહલી પહેલાં વિજય શંકર અને કેદાર જાધવ પણ ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને ફિટ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ પહેલી મેચમાં તેઓ રમશે કે નહીં તે અંગે શંકા છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ શંકર અભ્યાસ મેચ રમ્યો ન હતો. તો કેદાર બંને વોર્મ અપ મેચમાં બહાર હતો.
ઈજા બાદ કોહલી ઘણાં લાંબા સમય સુધી ટીમના ફિઝિયો ફારહાર્ટની સાથે વાત કરી અને તેની પાસે ટ્રીટમેન્ટ લેતાં જોવા મળ્યો. ફારહાર્ટે પહેલાં તો તેની ઈજા પર સ્પ્રે કર્યુ. અભ્યાસ સત્ર પછી કોહલી અંગૂઠામાં બરફ ઘસતા જોવા મળ્યો. મેદાનની બહારે જતાં સમયે તેના હાથમાં બરફ ભરેલો ગ્લાસ હતો જેમાં તેને પોતાના અંગૂઠો ડૂબાડી રાખ્યો હતો.
વિરાટને થયેલી ઈજા અંગે હજુ જાણી શકાયું નથી કે તેઓ બેટિંગ દરમિયાન ઘવાયો હતો કે પછી બોલિંગ દરમિયાન. બીસીસીઆઈ તરફ હાલ વિરાટ કોહલીની ઈજા અંગે કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી.