આગામી સપ્તાહે અમિત શાહ કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે જશે…
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે કલમ-૩૭૦ હટાવવાનો અત્યાર સુધીનો મોટો નિર્ણય લઇને રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે હવે કાશ્મીર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ માટે જમ્મુ-કાશ્મીરમાં રોકાણના નવા પ્રોજેકટસ પર ચર્ચા કરવા માટે એક શિખર પરિષદ યોજવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબરમાં રાજ્યમાં રોકાણ વધારવા માટે એક સંમેલનનું આયોજન કરશે જેમાં દેશ-દુનિયાના મોટા બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી સપ્તાહે કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે જશે. રાજ્યસભામાં પોતાના સંબોધન દરમ્યાન અમિત શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કલમ ૩૭૦ વિકાસ માટે અવરોધક હતી અને ત્યાંના લોકોને કેન્દ્રની કોઇ યોજનાનો લાભ મળતો ન હતો અને ધંધા-ઉદ્યોગોના અભાવે લોકો રોજગારની તકોથી વંચિત હતા પરંતુ હવે કલમ ૩૭૦ અમે હટાવી રહ્યા છીએ કે કાશ્મીર ખીણના લોકો માટે નવી તકો ઊભી થશે.