Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મોદી રાજમાં CBI,ઇડી રાજકીય બદલો લેવાની એજન્સી બની ગઇ : કોંગ્રેસ

પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરની ધરપકડથી કોંગ્રેસ લાલઘૂમ…

ન્યુ દિલ્હી,
પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરની બુધવારે તેમના ઘરેથી નાટ્યાત્મક રીતે ધરપકડ બાદ ગુરુવારે સવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આને રાજકીય ષડયંત્ર અને વ્યક્તિગત બદલાની ભાવનાથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ચિદમ્બરમની ધરપકડથી કોંગ્રેસ લાલઘૂમ થઈ છે અને આકરી ટિકા કરી હતી. કોંગ્રેસે જણાવ્યું કે ગગડી રહેલું અર્થતંત્ર, નોકરીઓમાં છટણી અને રૂપિયામાં અવમૂલ્યનથી દેશનું ધ્યાન બીજીતરફ દોરવવા માટે મોદી સરકારે આ ખેલ રચ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર પ્રકરણમાં મીડિયાની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે કેટલીક ચેનલ સરકારની કઠપુતળી બનીને કામ કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તાએ સત્ય મેવ જયતેનો નારો લગાવતા કહ્યું કે તપાસના અંતે સત્ય સામે આવી જશે.
સુરજેવાલાએ ચિદમ્બરમની ધરપકડ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ‘મોદી સરકાર સત્તામાં આવ્યાના છ વર્ષ પછી ૧૦ વર્ષ જૂના કેસમાં ચિદમ્બરમને બદઈરાદાથી ફસાવવામાં આવી રહ્યા છે. જેલમાં સજા કાપી રહેલી એક મહિલાના નિવેદનને આધાર બનાવીને આ કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરાઈ છે. ૪૦ વર્ષના જાહેર જીવનમાં સ્વચ્છ છબિ ધરાવનાર વ્યક્તિની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ એક આયોજીત કેમ્પેઈન છે. લોકશાહીની ધોળા દિવસે અને ક્યારેક રાત્રે હત્યા થઈ છે.
કોંગ્રેસે તપાસ એજન્સીઓની ભૂમિકાને પણ વખોડી હતી. કોંગ્રેસે જણાવ્યું કે, મોદી સરકારના શાસનમાં સીબીઆઈ રાજકીય બદલો લેવાની એજન્સી બની ગઈ છે. સુરજેવાલાએ ઉમેર્યું કે, પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે સીબીઆઈ અધિકારીઓ રાત્રે દિવાલ કૂદીને કોંગ્રેસના નેતાના ઘરમાં પ્રવેશ કરી તેમની ધરપકડ કરે છે. દેશ ભયંકર મંદીના આરે છે અને લાખો લોકો રોજગારી ગુમાવી રહ્યા છે. રૂપિયો એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ છે. દેશનું ધ્યાન બીજે દોરવવા માટે મોદી સરકાર નવા ડ્રામા રચી રહી છે.
કોંગ્રેસે ઇંદ્રાણીને સાક્ષી બનાવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે જેલમાં બંધ ઇંદ્રાણી મુખર્જીની સાથે એ સાક્ષીના બદલામાં શું ડીલ થઇ છે, દેશ એ જાણવા માંગે છે.

Related posts

બળતણના ઓછા ઉત્પાદનના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા : ધર્મેન્દ્ર પ્રધાન

Charotar Sandesh

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ તૈયાર : શાહના ઘરે બેઠકોના દોર શરૂ…

Charotar Sandesh

ખેડૂતોને દેખાવો કરવાનો હક્ક, શહેરને બાનમાં લઇ ન શકે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh