દાંતા : અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૧ લોકોને ૧૦ લાખની સહાય આપવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પાંચ લાખ અને તમામ સારવાર ખર્ચ રાજય સરકાર સહાય કરે તેવી રજૂઆત સીએમને પત્ર લખી કરવામાં આવી છે.
અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટમાં આણંદ જિલ્લાના યાત્રિકો/શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન કરીને પરત ફી રહ્યા હતા. ત્યારે ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાતા લક્ઝરી બસ પલટી મારી જતાં બાળકો-મહિલાઓ સહિત ૨૧ જેટલા નાગરિકોનાં મોત થયા હતા, તેમજ ૪૫થી વધારે લોકો ઘાયલ થયા હતા.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રમાં રજૂઆત કરી છે કે, મૃતકો અને ઘાયલો ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારમાંથી આવે છે. મૃતકોનાં પરિવારમાં ગમખ્વાર અકસ્માતનાં કારણે કાયમી ન પૂરી શક્યા તેવી ખોટ પડી છે. આથી અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજોનોને રૂપિયા ૧૦ લાખની અને ઘાયલોના પરિવારજનોને રૂપિયા ૫ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધીમાંથી ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.