અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો હતો…
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો રવિવારથી અમલી બનશે. બીજી તરફ મધર ડેરીએ પણ દૂધમાં લિટરે ૩ રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના ૫૦૦ મી.લી.પાઉચનો નવો ભાવ રૂ. ૨૮ થયો છે અને અમૂલ તાજા ૫૦૦ મી.લી. પાઉચનો ભાવ રૂ. ૨૨ થશે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારવામાં આવ્યો નથી અને ૫૦૦ મી.લી. પાઉચના રૂ. ૨૫ યથાવત રાખવામાં આવ્યા છે.
ભાવ વધારા અંગે અમુલે જણાવ્યું હતું કે, દૂધના ભાવમાં પાછલા ૩ વર્ષમાં આ માત્ર બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. પાછલાં ૩ વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં માત્ર રૂ. ૪ પ્રતિલિટરનો ભાવ વધારો કરવામાં આવેલ છે જે વધારો વર્ષે ૩ ટકાથી પણ ઓછો છે અને તે ફુગાવાના દર કરતાં પણ ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૩૫ ટકાનો વધારો થયેલ છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે.