Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ સંપન્ન…

૯૯ વિદ્યાર્થીઓને સુવર્ણપદક-રોકડ પુરસ્કાર અને ૭૧૯ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવી એનાયત કરાઇ…

આજની યુવા પેઢીએ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત

આણંદ : ગુજરાતના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે,  વર્તમાન યુગમાં રાસાયણિક  ખાતરોના કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થઇ છે અને માનવજીવન સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેમણે આ પડકારોનો સામનો કરવા માટે યુવા પેઢીને પ્રવૃત્ત થવા અનુરોધ કરી જણાવ્યું હતું કે, કૃષિ સ્નાતકો પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૬મા પદવીદાન સમારોહમાં ૯૯ વિદ્યાર્થીઓને સુવર્ણપદક-રોકડ પુરસ્કાર, કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૭૧૯ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરતાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને ખેતી અને શિક્ષણથી અલિપ્ત ન રહેતા આજીવન શિક્ષણ અને ખેતી સાથે જોડાયેલા રહી વિદ્યાર્થી બની રહેવા કહ્યું હતું.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઓછી થઇ રહી છે તે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનું કામ પ્રાકૃતિક સંસાધનો કરે છે તેમ જણાવી કૃષિ સ્નાતકોએજે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે યુનિવર્સિટી સુધી સીમિત ન રાખતાં માનવકલ્યાણ માટે તેનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય બોલવા અને ધર્મનું આચરણ એટલે કે જે ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ નાનામા નાના માણસ સુધી પહોંચાડી કર્તવ્યપાલન કરવા જણાવ્યું હતું. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતએ ખેતી-હવા-પાણી અને પર્યાવરણને બચાવવા આજની યુવા પેઢીને હાંકલ કરી પર્યાવરણને સ્વચ્છ રાખીએ તો માનવજીવન પણ તંદુરસ્ત બનશે તેમ કહ્યું હતું.

રાજયપાલશ્રીએ પોતાના સ્વાનુભાવો વર્ણવતાં  રાસાયણિક ખાતરના કારણે ખેતી ખર્ચ વધુ આવે છે જયારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો આવતો હોવાથી આવકમાં વધારો થતો હોઇ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી તેઓની આવક બમણી કરી શકે છે તેમ જણાવ્યું હતું.

કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે કૃષિ વિકાસના ગુજરાત મોડલને સમગ્ર રાષ્ટ્રમાં અમલમાં મૂકવામાં આવી રહ્યું હોવાનું જણાવી ગુજરાત રાજયને ૧૧મી ગ્લોબલ એગ્રિકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૧૮ અંતર્ગત બેસ્ટ એગ્રિકલ્ચર સ્ટેટ એવોર્ડ તથા કૃષિ કર્મણ એવોર્ડ-૨૦૧૭-૧૮ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો હોવાની જાણકારી આપી હતી.

મંત્રી શ્રી પરમારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ જ્ઞાન અને તાંત્રિકતાનો કૃષિ અને ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોથગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિબની સમાજ અને દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા કહ્યું હતું.

ભારતીય કૃષિ અનુસંધાન, નવી દિલ્હીના નાયબ નિયામક ડૉ. આર. સી. અગ્રવાલે દિક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી કલ્પનાશકિત, સર્જનાત્મકતા અને નવીનીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

પદવીદાન સમારોહ દરમિયાન સંશોધન અને કૃષિ વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે બેસ્ટ કામગીરી કરનાર સર્વ શ્રી ડૉ. એન. એમ. ગોહિલ, ડૉ. પી. જી. શાહ, ડૉ. કે.ડી. પરમાર તથા ડૉ. ગીરીશભાઇ પટેલને રાજયપાલ અને કુલાધિપતિના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. અગ્રવાલે વિદ્યાર્થીઓને જયારે આપણે આજે ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે સમાજ અને કુટુંબ પ્રત્યે આપણી જવાબદારી વધી જતી હોય છે ત્યારે આ જવાબદારીઓ અને  કર્તવ્યપાલન થકી આપણે જે લક્ષ્યાંકો નિર્ધારીત કર્યા છે તે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા સુચવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જીસીએમએમએફ મેનેજીંગ ડીરેકટર શ્રી આર. એસ. સોઢી, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ, પૂર્વ કુલપતિ ડૉ. એન.સી. પટેલ, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, કુલસચિવ શ્રી એમ. એમ. ત્રિવેદી, બોર્ડના સભ્યો, વિવિધ ફેકલ્ટીઓના ડીનશ્રીઓ અને વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વૈજ્ઞાનિકો, એકેડેમીક, રીસર્ચ, એકસટેન્શન કાઉન્સિલના પ્રાધ્યાપકશ્રીઓ, પદવીધારક વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યમાં પ્રચલિત ગરબા આયોજકોની ઓફિસોમાં જીએસટી વિભાગના દરોડા, પુછપરછ શરૂ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં એસીબીનો સપાટો : અલગ-અલગ જગ્યાએ ર લાંચીયા અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાયું…

Charotar Sandesh