100થી ઓછી સંખ્યા ધરાવતી 140 શાળાને 1800ની જગ્યાએ 1000 રૂપિયા મળશે…
આણંદ : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દેશની ભાવિ પેઢી સમાન બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. તેવી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જળવાઇ રહે બાળકોનું સ્વાસ્થય સારૂ રહે તેમજ બાળકોને જાતે સફાઇ ન કરવી પડે તે માટે રાજ્ય સરકારે નવો પરિપત્ર કરીને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું છે. આણંદ જિલ્લામાં 100થી ઓછી સંખ્યા ધરાવતી 19 ટકા એટલે કે અંદાજે 140 શાળાઓને સીધો 800 ફટકો પડ્યો છે. 1000 રૂપિયામાં કેવી રીતે આખો માસ સફાઇ કરાવી તે પ્રશ્ન થઇ પડ્યો છે. જો કે સરકારે માત્ર કાગળ રમત રમીને શાળા સફાઇ ઝુંબેશની અવગણના કરી હોવાના અંદરખાને ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
સરકારના નવા પરિપત્રને કારણે આણંદ જિલ્લાની 61 ટકા એટલે કે અંદાજે 650થી વધુ શાળાઓની ગ્રાન્ટમાં કોઇ વધારો થયો નથી. કારણે તેઓના વિદ્યાર્થીઓની સંખ્યા 301થી ઓછી હોવાથી માત્ર 1800 મળશે. આ શાળાઓને કોઇ જ કાયદો થયો નથી. સરકારે માત્ર કાગળ રમત રમીને 301થી 400 વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાને 4 હજાર આપવાનો તથા 401થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને 5 હજાર રૂપિયા ચુકવાનો આદેશ કર્યો છે. આમ મોટાભાગની શાળાઓને માત્ર 1800 રૂપિયા મળશે.તો પછી આ પરિપત્રનો અર્થ શો? તેવો ગણગણાટ મોટાભાગની શાળાઓમાં જોવા મળી રહ્યો છે.
આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ 1160 જેટલી છે. તેમાંથી 61 ટકા ઉપરાંત શાળાઓમાં 300થી ઓછા વિદ્યાર્થીઓ છે.જ્યારે 12 ટકા એટલે કે માંડ 130 શાળાઓમાં 400થી ઓછા અને 8 ટકા એટલે કે અંદાજે 82 શાળાઓમાં 401થી વધુ વિદ્યાર્થીઓ છે. જ્યારે 100 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓ 19 ટકા એટલે કે અંદાજે 140 શાળાઓ છે. તેઓને માત્ર સ્વચ્છતાના રૂા 1000 મળશે જેને લઇને શિક્ષકગણ સહિત વાલીઓ સરકારના આ નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો હતો.