ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ કપિલ દેવનો રેકોર્ડ તોડી દીધો છે. જમૈકા ટેસ્ટ મેચ પહેલા તે એશિયા બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોમાં કપિલ દેવની સાથે સંયુક્ત રૂપથી બીજા સ્થાન પર હતો.
રવિવારે ઇશાંતે કપિલ દેવને પાછળ છોડી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઇ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચના ત્રીજા દિવસે રવિવારે સબીના પાર્કમાં તેણે આ સિદ્ધિ હાસિલ કરી હતી.
ઇશાંત ઈનિંગની ૪૭મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના જેહમર હેમિલ્ટનને આઉટ કરીને કપિલથી આગળ નિકળ્યો હતો. ઇશાંતના નામે હવે એશિયાની બહાર ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૬ વિકેટ છે. અનિલ કુંબલે આ લિસ્ટમાં ૨૦૦ વિકેટની સાથે ટોપ પર છે. આ યાદીમાં ઝહીર ખાન ચોથા નંબર પર છે. તેણે ૩૮ ટેસ્ટ મેચોમાં ૧૪૭ વિકેટ ઝડપી છે.
આ પહેલા ઇશાંતે મેચના બીજા દિવસે ૫૭ રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ અડધી સદી હતી. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ૪૧૬ રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડીઝ ટીમ ૧૧૭ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.