Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ હિન્દુઓ પર અત્યાચાર આચરનાર પાકિસ્તાન સામે મૌન કેમ? : મોદી

વડાપ્રધાને ૬ કરોડ ખેડૂતોને નવા વર્ષની આપી ભેટ, ૧૨૦૦૦ કરોડ ટ્રાન્સફર…

પાક.માં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે તેથી તેઓ ભારતમાં શરણ લેવા આવે છે, કોંગ્રેસ પાડોશી દેશ સામે બોલવાની જગ્યાએ હિન્દુ શરણાર્થી સામે રેલી કાઢે છેઃ મોદીનો કટાક્ષ…

બેંગ્લુરુ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે ભાજપ શાસિત કર્ણાટક રાજ્યની બે દિવસીય સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે તુમ્કુરુમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લઇને અહીં યોજાયેલી એક જંગી રેલીને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ તેમની સરકારના સંશોધિત નાગરિક કાયદા સામે થઇ રહેલા વિરોધના સંદર્ભમાં કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસે વિરોધ પ્રદર્શન જ કરવુ હોય તો ભારતના નાગરિકો પર અમાનુષી અત્યાચાર ગુજારનાર પાકિસ્તાનના કાળા કામો સામે કરવુ જોઇએ. પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે તેથી તેઓ પોતાના જીવ બચાવવા ભારતમાં શરણ લેવા આવે છે, કોંગ્રેસ પાડોશી દેશ સામે બોલવાની જગ્યાએ હિન્દુ શરણાર્થી સામે રેલી કાઢે છે, એવો કટાક્ષ પણ મોદીએ કર્યો હતો.
પીએમ મોદીએ તુમકુરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હપ્તો ખેડૂતોને આપ્યો. પીએમ મોદીએ અહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ૧૨૦૦૦ કરોડ રૂપિયાની રાશિને ટ્રાન્સફર કરી જે ૬ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની રાશિ મળે છે. પીએમ સન્માન નિધિ હેઠળ ખાતામાં પહોંચનારી આ ત્રીજો હપતો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનના આ કૃત્યો અંગે શા માટે મૌન છે? તે પાકિસ્તાનના દમન પર શા માટે મૌન છે? શું પાકિસ્તાનથી આ સતાવેલા લોકોને મદદ કરવાની જવાબદારી આપણી નથી? આજે દરેક દેશવાસીનો સવાલ છે કે જે લોકો પાકિસ્તાનથી પોતાનો જીવ બચાવવા, તેમની દીકરીઓનો જીવ બચાવવા આવ્યા છે, તેમની વિરુદ્ધ સરઘસ તો કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન જેણે હિન્દુઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે, તેની સામે આ કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોના લોકોના મોં પર કેમ તાળા છે? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
વડા પ્રધાને કહ્યું, ’જો તમારે સૂત્રોચ્ચાર કરવા જ હોય તો , તો પાકિસ્તાનમાં જે રીતે લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે તેનાથી સંબંધિત સૂત્રોચ્ચાર કરો, જો તમારે કોઈ સરઘસ કાઢવું હોય, તો પછી પાકિસ્તાનથી હિંદુ-દલિત-પીડિત-શોષણના સમર્થનમાં સરઘસ કાઢો. પરંતુ તેવુ કરવાને બદલે વિરોધ પક્ષો દેશ અને દેશની સંસદની વિરૂધ્ધ બોલીને સંસદનો વિરોધ કરી રહ્યાં છે. એ સંસદ કે જેણે શરણાર્થી હિન્દુ સહિત ૬ ધર્મોને ભારતનું નાગરિકત્વ આપવાનો કાયદો પસાર કર્યો છે તે કાયદાનો વિરોધ કરીને તેઓ ખરેખર તો સંસદ જેવી સૌથી ઉંચી સંસ્થાનો વિરોધ અને અપમાન કરી રહ્યાં છે.

સીએએ એટલે કે નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું, ’ભારતનું વિભાજન ધર્મના આધારે જ થયું હતું. પાકિસ્તાન ધર્મના આધારે જ બનાવવામાં આવ્યું હતું. પાક.માં રહેતા હિન્દુ ધાર્મિક લઘુમતીઓની ત્યાં સતાવણી કરવામાં આવે છે. સતાવેલા લોકોને શરણાર્થી તરીકે ભારત આવવાની ફરજ પડે છે. પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પાકિસ્તાન વિરુદ્ધ બોલતા નથી, બલકે તેઓ આ હિન્દુ શરણાર્થીઓ વિરુદ્ધ રેલીઓ ચલાવે છે. હવે તે દરેક ભારતીયનું માનસ બની ગયું છે કે આપણને વારસામાં મળતી સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. સમાજમાંથી નીકળતો આ સંદેશ આપણી સરકારને પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપે છે.

તેમની સરકારની સિદ્ધિઓ ગણાવતા વડા પ્રધાને કહ્યું કે, “વર્ષ ૨૦૧૪ થી ભારતે સામાન્ય માણસોની ઉન્નતિ માટે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. આજે દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનો સંકલ્પ, ગરીબ બહેનોને ચૂલાના ધૂમાડાથી મુક્ત કરવાનો ઠરાવ અને ખેડુતો, નાના વેપારીઓ અને મજૂરો માટેના સંકલ્પ અસરકારક સાબિત થઈ રહ્યા છે. અમે કલમ ૦ ૩૭૦ નાબૂદ કરી કાશ્મીરને આતંકવાદ અને નિર્દોષતાથી મુક્ત કરી છે. અને ભગવાન રામના જન્મસ્થાન પર શાંતિ, સુમેળ માટે રામ મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાને આ પ્રસંગે જનજીવન માટેના ૩ ઠરાવો અંગે સંતસમુદાયનો ટેકો પ્રાપ્ત કરવાના પ્રયાસ રૂપે કહ્યું હતું કે આજે, હું સંત સમુદાયમાં ત્રણ ઠરાવો માટે સક્રિય ટેકો માંગું છું અને ત્રણેય ઠરાવોમાં, પ્રથમ, આપણે આપણી કર્તવ્યો અને ફરજોને મહત્ત્વ આપવાની આપણી પુરાતત્વીય સંસ્કૃતિને મજબૂત બનાવવી પડશે. બીજું – પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરો. ત્રીજું – જળસંગ્રહ અને જળ સંચય માટે જનજાગૃતિમાં સહકાર આપો.

Related posts

કૃષિબિલનો સૌથી વધુ ફાયદો નાના ખેડૂતોને થશે, કેટલાક લોકો જૂઠ્ઠાણુ ફેલાવે છે : મોદી

Charotar Sandesh

મમતા બેનર્જીની ભવિષ્યવાણી, ઉત્તર પ્રદેશમાં આ વખતે 17 સીટો પણ નહીં જીતી શકશે BJP

Charotar Sandesh

ફેસબુક પોસ્ટના કારણે બેંગ્લુરુમાં હિંસા ભડકી : ત્રણના મોત, ૬૦ પોલીસકર્મી ઘાયલ…

Charotar Sandesh