Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

કૌભાંડોની હારમાળા યથાવત્‌ : પ્રજાના ૨૩૦૦ કરોડ ડૂબ્યા…

કાર્વી સ્ટોક બ્રોકિંગ કંપનીએ રોકાણકારોના શેરો ગીરવે મૂકીને કરોડો ઓળવી નાંખ્યા…

મુંબઇ : દેશમાં નાણાકિય સેક્ટરમાં વધુ એક કથિત કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે બેંકીંગ ક્ષેત્રે કોઇ પીએમસી (PMC) બેંક કે ઇન્ફ્રાસ્ટકચર ક્ષેત્રે કોઇ આઇએલએન્ડએફએસ (IL & FS) ની ગેરરીતિ નહીં પણ શેર બજારમાં જંગી સ્ટોક બ્રોકર તરીકે કામ કરનાર કાર્વી સ્ટોક બ્રોકીંગ કંપનીની અંદાજે ૨૩૦૦ કરોડની જંગી ગેરરીતિ બહાર આવતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જેમાં આ કંપનીએ તેમની કંપની પર વિશ્વાસ મૂકીને રોકાણ માટે મૂકેલા શેર હોલ્ડરોના શેરોને બારોબાર વિવિધ બેંકોમાં નિયમ વિરૂધ્ધ જઇને ગીરવે મૂકીને તેમાંથી મેળવાયેલા નાણાંનું પોતાની અન્ય કંપનીઓમાં રોકાણ કરી નાંખ્યું છે. શેર બજાર પર નિયંત્રણ રાખનાર સેબી,બીએસઇ અને એનએસઇ વગેરેએ ભારતના સૌથી મોટામાં એક એવા કાર્વી સ્ટોક બ્રોકિંગને રૂ. ૨૩૦૦ કરોડના ગ્રાહકોના શેર અને ભંડોળના ગેરઉપયોગ કરીને ધોરણોનું ઉલ્લંઘન કરવાના આરોપસર તમામ માર્કેટ સેગમેન્ટમાંથી સસ્પેન્ડ કર્યું છે. જેના કારણે આ સ્ટોક કંપનીમાં જેમણે પોતાના શેરો મૂક્યા છે તેમના નાણાં પીએમસી બેંકના ખાતેદારોની જેમ ફસાઇ ગયા છે. જો કે ૨.૫ લાખ રોકાણકારોમાંથી ૮૦ હજાર રોકાણકારોના શેરો પરત મળી ગયા છે પરંતુ બાકીના રોકાણકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે.

શેરબજારના રોકાણકારોમાં ફફડાટ ફેલાવનાર આ અંગેવી વિગતો એવી છે કે કાર્વી સ્ટોક કંપની ભારતની ૬ઠા ક્રમની સૌથી મોટી સ્ટોક બ્રોકર કંપની છે. તેની પાસે ૨.૫ લાખ રોકાણકારોના ખાતા છે. એટલે કે અઢી લાખ રોકાણકારોએ પોતાના વિવિધ કંપનીના શેરોના કામકાજ માટે તેને મર્યાદિત જવાબદારી સાથે સોંપ્યા હતા. જેમાં બ્રોકર કંપની રોકાણકારોના શેરોને ગીરવે મૂકી નહીં શકે એવી કડક મનાઇનો સમાવેશ થાય છે. તેમ છતાં કંપનીએ નિયમોની ઉપરવટ જઇને બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેંક સહિત અન્ય બેંકોમાં ખાનગી રોકાણકારોની જાણ બહાર, શેરોનો બારોબાર વહીવટ કરીને ગીરવે મૂકીને કરોડો રૂપિયાની લોન લઇ લીધી હતી.

સૂત્રોએ જણાવ્યું કે કાર્વીના કાવતરાંની ગંધ આવી જતાં કેટલાક રોકાણકારોએ શેરબજાર નિયમનકારી સંસ્થાઓને ફરિયાદ કરી હતી. જેમાં સેબીના પ્રથમ ઓર્ડર મુજબ, જે એનએસઈ દ્વારા મર્યાદિત અવકાશ ધરાવતાં તપાસના આધારે કરવામાં આવી હતી, બ્રોકરે ગેરકાયદેસર રીતે તેના ગ્રાહકોના શેર બેંક સાથે ગીરો મૂક્યા હતા અને પછી ભંડોળને તેની સ્થાવર મિલકત ખરીદવામાં ગેરઉપયોગ કર્યો હતો. સેબીએ ૨૦ જૂને દલાલ કંપનીને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ગ્રાહકોના ભંડોળ અને સિક્યોરિટીઝને અલગ પાડવા અને આદેશના પાલનની જાણ કરવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ, કાર્વી બ્રોકિંગ અને કેટલાક વધુ દલાલો તેનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હતા. આને અનુસરીને અને બ્રોકરના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી કેટલીક ફરિયાદોને કારણે, એનએસઈએ ઉંડી તપાસ શરૂ કરી અને સેબીના આદેશોનું ઉલ્લંઘન કરીને કાર્વીએ રોકાણકારોના ૨૩૦૦ કરોડના શેરો અને અન્ય રોકાણના દસ્તાવેજોનો દુરૂપયોગ કરાયાનું બહાર આવતાં કાર્વીમાં પોતાના શેરો મૂકનારા દોડતાં થઇ ગયા છે. ઓક્ટોબર સુધીમાં, કાર્વી બ્રોકિંગ પાસે લગભગ ૨.૫ લાખ રોકાણકારોના ખાતા હતા અને તે ભારતના ટોચના બ્રોકર્સમાં છઠ્ઠા સ્થાને છે, એમ એનએસઈના આંકડા દર્શાવે છે.

એનએસઈના નિર્ણય બાદ બીએસઈએ પણ બ્રોકરને સસ્પેન્ડ કરી દીધું હતું અને તેના ગ્રાહકો પાસેથી જોખમ ઘટાડવાની સ્થિતિ (આરઆરએમ) પર સોદા કર્યા હતા. આરઆરએમ મોડમાં, બ્રોકર્સ અને તેમના ગ્રાહકો દ્વારા બધા ઓર્ડર વિવિધ ચેક્સ અને બેલેન્સને આધિન હોય છે અને બોર્સની કમ્પ્લાયન્સ ટીમ દ્વારા માન્યતાઓ પછી વેપાર માટે જવાની મંજૂરી છે. બીજી તરફ, કાર્વીએ જે બેંકોમાં રોકાણકારોના શેરો નિયમની બહાર જઇને મૂકીને જંગી લોન લીધી તે બેંકોએ હવે કાર્યવાહી હાથ ધરીને તેમને ત્યાં ગીરવે મૂકાયલા શેરોને કાર્વીને પરત નહીં કરવાની દાદ માંગી છે. કાર્વીએ બજાજ ફાઇનાન્સ પાસેથી ૧૦૦ કરોડ અને એચડીએફસી સહિત અન્ય બેંકો પાસેથી ૪૦૦ કરોડની લોન પારકે પૈસે તાગડધિન્ના ની જેમ લીધી છે. આ બેંકોના પૈસા પણ ફસાઇ ગયા છે. કેમ કે સેબીએ રોકાણકારોના શેરો પાછા આપવા હુકમ કર્યો છે તો બેંકો આ હુકમને પડકારી રહ્યાં છે. પરિણામે કાર્વીમાં જેમણે પાતાના શેરો મૂક્યા તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઇ છે. કાર્વીનું આ નિયમ બહારનું પગલું મંદીને કારણે ભરવામાં આવ્યું કે ઇરાદાપૂર્વકનું કાવતરૂ છે તેની પણ ચર્ચા ચાલી રહી છે.

Related posts

તમામ સરકારી સ્કૂલોમાં હાઈટેક ડિજિટલ ક્લાસ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું કેરળ…

Charotar Sandesh

હવે ભારતમાં આવશે અમેરિકાની મોડર્ના વેક્સિન, DCGI એ સિપ્લાને આપી ઈમ્પોર્ટની મંજૂરી…

Charotar Sandesh

ભારતમાં કોરોનાની રસીના બીજા-ત્રીજા તબક્કાના હ્યૂમન ટ્રાયલને મળી મંજૂરી…

Charotar Sandesh