લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ બેઠક પર ઉમેદવારી નોંધાવનારા ૨૩ ઉમેદવારો ક્રિમિનલ બેગ્રાઉન્ડ ધરાવે છે. મથુરાના ભાજપા ઉમેદવાર હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર છે. બીજા તબક્કામાં સૌથી ધનવાન ઉમેદવાર હેમા માલિની છે, હેમાની સંપત્તિ ૨૫૦ કરોડ રૂપિયાથી વધારે છે. બીજા નંબર પર કંવર સિંહ તંવર છે જે અમરોહાથી ભાજપના ઉમેદવાર છે.
બીજા તબક્કાના સૌથી ધનવાન ઉમેદવારની યાદીમાં ત્રીજા સ્થાન પર મહેશ પાઠક છે જે મથુરાથી કોંગ્રેસની બેઠક માટે ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશના આગ્રા, અલીગઢ, અમરોહા, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, મથુરા અને નગીના બેઠકો પર મતદાન યોજાશે.
એડીઆરના રાજ્ય સંકલનકાર અનિલ શર્માના જણાવ્યા અનુસાર, બીજા તબક્કામાં ૪૧ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, સમાજવાદી પાર્ટી, ભારતીય અનારક્ષિત પાર્ટી, આંબેડકર સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટÙીય સમાજ રક્ષા અને લોકદળ પાર્ટીના ઉમેદવાર છે. બીજા તબક્કાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૮.૧૪ કરોડ રૂપિયા છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર આંબેડકરી હસનુ રામ છે. જેમની કુલ સંપત્તિ ફક્ત ૧૨૦૦ રૂપિયા જ છે. બીજા મંબર પર ફક્કડ બાબા છે જેમની સંપત્તિ ૧૨ હજાર રૂપિયા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ઉત્તર પ્રદેશ ઈલેક્શન વોચે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૫માંથી ૮૩ ઉમેદવારોના શપથ પત્રોનું વિશ્લેષણ કર્યું. બે ઉમેદવારોના શપથપત્રોમાં સ્પષ્ટતા નહીં કરી હોવાના કારણે તેના પર ધ્યાન આપવામાં નહીં આવે.