અમદાવાદમાં આગામી સમયમાં ૫૦૦ ઈ-બસો દોડાવવાનો સીએમ રૂપાણીનો દાવો…
અમદાવાદ,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે હતા. બુધવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સીએમ વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.
હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનારું અમદાવાદ હવે જળ-વાયુ પ્રદૂષણ મુક્ત ગ્રીન સિટી બનાવવા માટે મિશન મિલિયન અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ ગુરુવારે સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કર્યા બાદ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. મેયર બિજલબેન પટેલે સ્વાગત ઉદ્બોધનમાં ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મેયરે કલમ ૩૭૦ નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને બિરદાવતા સરદાર પટેલના અખંડ ભારતના સ્વપનને સાકાર કરવા બદલ ગૃહ મંત્રી અમિત શાહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહમંત્રીએ આગળ જણાવ્યું કે, ’અમદાવાદમાં ૧૦.૮૭ લાખ અને અમદાવાદ જિલ્લામાં કુલ ૨૪ લાખ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષો જ આપણને બચાવી શકે છે. સરદાર સરોવર ડેમની કામગીરી પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જ થઇ છે. સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે. ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય અને પેટમાંથી ૧૦ કિલો કાઢવું પડે ત્યારે ગાયને કેટલી વેદના થાય. બહેનોને કપડાંની થેલી લઈ અને શાકભાજી લેવા જાય છે. ખાદી, કંતાન અને કપડાંની થેલી વાપરો. દુકાનદારો પણ કપડાંની થેલી વેચે.’
મુખ્મંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેર કર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ આપવા કરેલા આહ્વાનમાં ગુજરાત લીડ લેશે.
તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરમાં ૧૦ લાખ વૃક્ષો વાવવાના અભિયાનનું સમાપન અને અમદાવાદ મહાનગરમાં નવી ૮ ઇલેટ્રિક બસના લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં ૫૦૦ ઇલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકાશે.
સ્ટે.કમિટી ચેરમેન અમુલભાઇ ભટ્ટ તેમજ કમિશ્નર વિજય નહેરા અને કલેક્ટર વિક્રાંત પાંડે પણ મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમદાવાદનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે શહેરને જળવાયુ પ્રદૂષણ મુક્ત-હરિયાળું શહેર બનાવવા માટે મિશન મિલિયન ટ્રી અભિયાનને સફળ બનાવવા માટે ૧૦૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતાં હોય તેવા વડ, પીપળો, લીમડો, જાંબુ જેવા વૃક્ષોનું વાવેતર વધુમાં વધુ કરવા અને કરાવવા સૂચન કર્યુ હતું. આ પ્રસંગે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, મિશન મિલિયન અભિયાન અશક્ય લાગતું હતુ, પરંતુ શહેરીજનોનાં સહયોગથી જેમ સ્વચ્છતા સહિતનાં અભિયાન સફળ બન્યાં છે તેમ વૃક્ષારોપણ અભિયાન પણ સફળ બન્યું છે.